Tue Sep 01 2026

Logo

પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીનું આતંકી નેટવર્ક ઝડપાયું, ગુજરાતમાંથી 3ની ધરપકડ

2026-08-19 09:44:00
Author: Mayur Patel
પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીનું આતંકી નેટવર્ક ઝડપાયું, ગુજરાતમાંથી 3ની ધરપકડ

અમદાવાદઃ પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીનું આતંકી નેટવર્ક ઝડપાયું હતું. જે અંતર્ગત ગુજરાતમાંથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, સુરક્ષા એજન્સીઓએ  ISI-સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં એક મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતકવાદી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો.  કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરહદ પારના આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે ગુજરાતમાં 3 સહિત 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 80 થી વધુ એફઆઈઆર તથા 200 થી વધુ ધરપકડો નોંધાઈ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે સ્વતંત્રતા દિવસ પહેલાં ISI-સમર્થિત આતંકવાદી સંગઠન શહઝાદ ભટ્ટી નેટવર્કને નષ્ટ કરી દીધું છે અને 200 થી વધુ ઓપરેટિવ્સની ધરપકડ કરીને ભાંગફોડ પ્રવૃત્તિઓના તેમના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ભારતીય સુરક્ષા દળોએ 14 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ સંકલિત ઓપરેશન ચલાવીને નેટવર્કના ફૂરચેફૂરચા ઉડાવી દીધા છે, જે આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો-ટોલરન્સ નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ISI દ્વારા ફંડેડ આ જૂથ પાસેથી IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતૂસ અને જાસૂસી માટે વપરાતા CCTV કેમેરા સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ નેટવર્ક ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.

શહઝાદ ભટ્ટી નેટવર્કનું શું છે કામ

શહઝાદ ભટ્ટી નેટવર્ક  પાકિસ્તાન સ્થિત અને ISI-સમર્થિત આતંકવાદી સિન્ડિકેટ છે, જે સમગ્ર ભારતમાં ગ્રેનેડ, IED અને પેટ્રોલ બોમ્બ હુમલાઓ તેમજ ટાર્ગેટેડ કિલિંગ સાથે સંકળાયેલું છે. શહઝાદ ભટ્ટી નેટવર્ક   દ્વારા પોલીસ, સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની રેકી કરવા અને જાસૂસી માટે CCTV કેમેરા લગાવવા સ્થાનિક સંપર્કોને નાણાં પણ ચૂકવવામાં આવતા હતા.

12 ઓગસ્ટે રાજ્ય પોલીસ દળો સાથે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ-શેરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને બહુ-રાજ્ય સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પ્રદેશમાંથી 62, હરિયાણામાંથી 52, દિલ્હીમાંથી 51, પંજાબમાંથી 44, રાજસ્થાનમાંથી 15, મહારાષ્ટ્રમાંથી 8, ઉત્તરાખંડમાંથી 5, કર્ણાટક, ગુજરાત અને બિહારમાંથી 3-3 તેમજ તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળમાંથી 2-2 લોકોને ઝડપવામાં આવ્યા હતા. ઉપરાંત દિલ્હી અને કર્ણાટકમાં નવી એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી