(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનૈતિક સંબંધને મામલે થયેલા વિવાદમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાની ઘટના ખારની એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર બની હતી.ખાર પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે પ્રકાશમાં આવી હતી. મૃતકની ઓળખ રવિશંકર નંદકિશોર ગિરી (35) તરીકે થઈ હતી. બિહારના સમસ્તીપુરના વતની રવિશંકરની ભારે વસ્તુ માથા પર ફટકારી કથિત હત્યા કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ખાર પશ્ર્ચિમમાં રોડ નંબર-7 ખાતેની ક્ધસ્ટ્રક્શન સાઈટ પર હત્યાની જાણ મંગળવારની બપોરે 12.30 વાગ્યે પોલીસ ક્ધટ્રોલ રૂમને થઈ હતી. માહિતી મળતાં જ ખાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સિમેન્ટની ગૂણીઓની નીચે રવિશંકરના મૃતદેહને સંતાડવામાં આવ્યો હતો. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
કાકાની હત્યાના કેસમાં ફરિયાદી બનેલા સગીર વયના ભત્રીજા પર પોલીસને પહેલેથી શંકા હતી.
તેનું વર્તન અને નિવેદનમાં વારંવાર વિસંગતિ જણાતી હતી. એ સિવાય ક્ધસ્ટ્રક્શન સાઈટ પરના અન્ય કામગારોની પૂછપરછ પરથી પોલીસની શંકા વધુ દૃઢ બની હતી.ટેક્નિકલ પુરાવાઓને આધારે પોલીસે પૂછપરછ કરતાં સગીરે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. અનૈતિક સંબંધને મામલે આરોપી ભત્રીજાનો કાકા સાથે વિવાદ થયો હતો, જેને પગલે આ હત્યા કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.