Tue Sep 01 2026

Logo

ફિલ્મ 'ડોન-3'ના વિવાદને લઈને એવું શું થયું કે, પિતાએ એસો. સામે અરજી કરી, આગળ શું થશે?

2026-08-20 22:25:50
Author: Mumbai Samachar Team
ફિલ્મ 'ડોન-3'ના વિવાદને લઈને એવું શું થયું કે, પિતાએ એસો. સામે અરજી કરી, આગળ શું થશે?

મુંબઈઃ ફરી એકવાર ફિલ્મ 'ડોન-3'ના વિવાદને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે એવું લાગે છે કે, ફરહાન અખ્તર અને રણવીરસિંહ વચ્ચે સંબંધો ખાટા થઈ શકે છે. મંગળવારે રણવીરસિંહના પિતા જગજીત સિંહ ભવનાનીએ ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસો.ના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. એક રિપોર્ટ અનુસાર આ વિવાદને લઈને તેમણે એસો.ને એક અરજી આપી છે. આ અરજી ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ તરફથી રણવીર સિંહ પર કરવામાં આવેલા 45 કરોડના દાવા અંગે છે. 'ડોન-3' ફિલ્મને લઈને રણવીરસિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા વિવાદે એક નવો વળાંક લીધો હોય એવું લાગે છે. 

પિતાએ વાંધો ઊઠાવ્યો

હકીકતમાં ફરહાન અખ્તરે જે દાવો કર્યો એને લઈને રણવીરસિંહના પિતાએ વાંધો ઊઠાવ્યો છે. આ મામલે હજુ સુધી રણવીરસિંહ, ફરહાન અખ્તરની કંપની કે ફરહાન અખ્તર તરફથી કોઈ પ્રકારની સત્તાવાર વિગત સામે આવી નથી.પિતાએ જે અરજી દાખલ કરી તેની તપાસ એસો. કરશે. એ પછી સમાધાન કરવામાં આવશે. આ એવું સમાધાન હશે જે બન્ને પક્ષ માટે યોગ્ય હોય. આ મામલે એસો.ના પ્રેસિડન્ટ અભય સિંન્હાએ પણ સ્પષ્ટતા કરી કે, મિટિંગ ઠીકઠાક રહી છે.એસો. રણવીરસિંહની અપીલની સમીક્ષા કર્યા બાદ જ કોઈ પગલું લેશે અને નિર્ણય જાહેર કરશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનનારી 'ડોન 3'ની જાહેરાત ઓગસ્ટ 2023માં કરવામાં આવી હતી. 

વિવાદ આ રીતે શરૂ થયો

રણવીર સિંહ શાહરૂખ ખાન દ્વારા અગાઉ ભજવવામાં આવેલી આઇકોનિક ભૂમિકામાં પ્રવેશવા માટે તૈયાર હતો. આ જાહેરાત સાથે એક પ્રમોશનલ વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં રણવીરને નવા ડોન તરીકે દર્શાવવામાં આવ્યો હતો. રણવીરે ત્યારબાદ આ પ્રોજેક્ટ છોડી દીધો. જુદા-જુદા બોલિવૂડના રિપોર્ટ અનુસાર, નિર્માતાઓ સાથે કેટલાક ક્રિએટિવ મતભેદોને કારણે તેણે ફિલ્મ છોડી દીધી. રણવીર નિર્માણમાં વારંવાર વિલંબ અને અંતિમ સ્ક્રિપ્ટ તૈયાર ન થવાથી નાખુશ હતો. આ પણ એક કારણ હતું કે તે પ્રોજેક્ટમાંથી આઉટ થઈ ગયો. શરૂઆતના તબક્કામાં આ એક સામન્ય ફેરફાર હોય એવું લાગતુ હતું પણ પછી આ મુદ્દાએ એક કાયદાકીય રંગ પકડ્યો અને વિવાદ વાયુ વેગે લોકો સુધી પહોંચ્યો. પછી ફરહાન અખ્તરની કંપનીએ રણવીર સિંહ પાસેથી 45 કરોડની રકમ માગી હતી. એસો.એ એની સામે અસહયોગનો મામલો જાહેર કર્યો એ પછી તે પણ પાછો ખેંચી લીધો હતો. 

આવી રહી છે નવી ફિલ્મ

હાલમાં રણવીર સિંહ પ્રલય ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત છે. જ્યારે દીપિકા પણ પોતાના પ્રોજેક્ટમાં થોડી વ્યસ્ત છે. દીપિકા પોતાને ત્યાં નવા મહેમાનને જન્મ આપવાની છે. આ માટે તે પોતાના શેડ્યુલનું શુટિંગ ખતમ કરી ચૂકી છે.જ્યારે પ્રલયને લઈને મેકર્સે હાલમાં ખાસ કોઈ વાત જાહેર કરી નથી. ફિલ્મમાં સાઉથની અભિનેત્રી કલ્યાણી હોવાનું જાણવા મળ્યું છે. જો બધુ બરોબર રહ્યું તો રણવીર સિંહ અને કલ્યાણ પહેલીવાર સ્ક્રિન શૅર કરશે. આ ફિલ્મથી રણવીરસિંહ પ્રોડ્યુસર તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે.