અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસનાં મહિલા નેતા રેપના કેસમાં જેલમાં જઈ શકે છે. હાઈકોર્ટે FIR રદ કરવાનો ઈન્કાર કરતાં ગુજરાત કોંગ્રેસના મહિલા નેતાની મુશ્કેલી વધી શકે છે.
કોણ છે ગુજરાત કોંગ્રેસનાં મહિલા નેતા અને શું છે સમગ્ર મામલો
ગુજરાત કોંગ્રેસના આ મહિલા નેતા પ્રગતિ આહીર છે. રાજકોટમાં 6 વર્ષની બાળકી પર 13 જેટલા નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તેઓ પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા અને બાળકીનો ફોટો અને વીડિયો ક્લિપ બ્લર કર્યા વગર જ પોસ્ટ કરી હતી. આ કારણે પ્રગતિ આહીર સામે ગુનો નોંધાયો હતો.
કોર્ટે શું કહ્યું
હાઈકોર્ટે નોંધ્યું કે, દુષ્કર્મ પીડિત બાળકીનો ચહેરો બ્લર કર્યો હોવા છતાં, તેના ઘર અને પરિવારજનોના વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. બેકગ્રાઉન્ડના દ્રશ્યો અને પરિવારજનોની તસવીરોથી પીડિતાની ઓળખ જાહેર થતી હોવાથી પ્રથમ દર્શનીય કેસ બને છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલે સંપૂર્ણ ટ્રાયલ ચલાવવી જરૂરી છે.

રાજકોટમાં 6 વર્ષની બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ, કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીર પીડિતાના પરિવારને મદદ કરવા ગયા હતા.આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના સોશિયલ મીડિયા પર લખાણ સાથે કેટલાક ફોટોગ્રાફ્સ અને શોર્ટ વીડિયો ક્લિપ્સ અપલોડ કર્યા હતા. પોલીસ ફરિયાદ અનુસાર, સોશિયલ મીડિયા પોસ્ટમાં ચહેરો બ્લર કરાયો હોવા છતાં વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાળકીનો રહેણાંક વિસ્તાર, આસપાસનો ચોક્કસ નજારો અને પરિવારના સભ્યોની તસવીરો સ્પષ્ટ દેખાતી હતી. આના કારણે બાળકી અને તેના સંબંધીઓની ઓળખ સરળતાથી થઈ શકે તેમ હોવાથી માત્ર પબ્લિસિટી મેળવવાના ઇરાદે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોર્ટમાં પ્રગતિ આહીરે દલીલ કરી હતી કે, બાળકીનું નામ, સરનામું કે શાળા જાહેર કર્યા નથી અને ચહેરો બ્લર કર્યો હોવાથી તેમનો ઈરાદો ખોટો નહોતો. તેથી તેની સામે નોંધાયેલી FIR રદ્દ થવી જોઈએ. જ્યારે સરકારી વકીલે કહ્યું, પરિવાર અને ઘરના દ્રશ્યો બતાવવાથી બાળકીની ઓળખ ખુલ્લી પડી જાય છે, જે તેના માટે જોખમ ઊભું કરે છે અને તેની પ્રાઈવસીનો ભંગ છે.
જે બાદ હાઈકોર્ટે કાયદો પીડિત બાળકની ઓળખ કે ગોપનીયતા જોખમાય તેવા કોઈપણ ફોટા કે વીડિયો જાહેર કરવા પર સખત પ્રતિબંધ મૂકે છે તેમ કહીને પ્રથમ નજરે આ કાયદાનું ઉલ્લંઘન જણાતું હોવાથી હાઇકોર્ટે FIR રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો.

કોણ છે પ્રગતિ આહીર
પ્રગતિ આહીરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિયનની કારકિર્દીને છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પ્રગતિ આહીર ટીવી ડિબેટમાં મજબૂતી સાથે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ મૂકતા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રગતિ આહીર સક્રિય રહ્યા હતા. પ્રગતિ આહિરે જ્યારે અભિનયની દુનિયા છોડી ત્યારે તેમણે 15થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતું. વર્ષ 2019માં તે રાજકારણ સાથે જોડાયા હતા. પ્રગતિ આહીરે રુરલ સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તેઓ કોંગ્રેસના મહિલા સેવા દળના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રગતિ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. તેમણે ભારત જોડો યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ત્યારથી વધારે લાઈમલાઈટમાં આવ્યા હતા.

પ્રગતિ આહીર મૂળ રુપે જૂનાગઢ જિલ્લાના નિવાસી છે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં પ્રગતિ ટિકિટના પ્રબળ દાવેદાર હતા. તેમણે કેશોદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ નહોતી આપી. જો કે આ બેઠક પર કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો.