નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તહેવારોની મોસમ પૂર્વે આજે ખાંડના બલ્ક અથવા તો મોટા અથવા તો ઔદ્યોગિક વપરાશકારો માટે સ્ટોક મર્યાદા લાદી છે અને હવે તેઓ 15 દિવસનાં વપરાશ કરતાં વધુ માત્રામાં ખાંડનો સ્ટોક નહીં રાખી શકે.
આ પગલાંની જાહેરાત કરતાં અનાજ ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશીએ જણાવ્યું ખાંડના બલ્ક વપરાશકારો જે મહિને 10 ટન કરતાં વધુ વપરાશ કરતા હોય તેઓ 15 દિવસનાં વપરાશ કરતાં વધુ સ્ટોક રાખી નહીં શકે. અનાજ મંત્રાલયે સુગર (સ્ટોક હાલ્ડિંગ, લિમિટ ઑફ બલ્ક ક્નઝ્યુમર) ઓર્ડર, 2026 નોટિફાઈ કર્યો હતો જેમાં ક્નફેક્શનરી, હળવા પીણાં ઉત્પાદકો, ફૂડ પ્રોસેસિંગ એકમો, સ્વીટમીટ વેચાણકર્તા અને અન્ય સંસ્થાકીય ખરીદદારોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે. જોકે, આ ઓર્ડર કેન્દ્ર, કેન્દ્રશાસિત પ્રદેશો અથવા તો રાજ્ય સરકારી એજન્સીઓને લાગુ નહીં પડે.
આ આદેશ પહેલી સપ્ટેમ્બરથી 30મી નવેમ્બર સુધી અમલી બનશે. નોંધનીય બાબત એ છે કે અગાઉ ખાંડના ડીલરો માટે 4000 ક્વિન્ટલની 30 દિવસ માટેની સ્ટોક મર્યાદા લાદવામાં આવી હતી તે પહેલી ઑગસ્ટથી 30મી નવેમ્બર સુધી અમલી રહેશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક્સ મિલ ધોરણે ભાવમાં જોવા મળેલા તીવ્ર વધારા અને વર્ષ 2026-27ની મોસમના આરંભે ખૂલતા માલનો સ્ટોક ઓછો રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. ગત મંગળવારે દેશમાં એક્સ મિલ ધોરણે ખાંડના સરેરાશ ભાવ ગત સાલના સમાનગાળાના ક્વિન્ટલે રૂ. 3900ના ભાવ સામે વધીને ક્વિન્ટલે રૂ. 5400થી 5500નાં મથાળે રહ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત 18મી ઑગસ્ટના રોજ રિટેલ સ્તરે ખાંડના સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. 52.30ના મથાળે રહ્યા હતા અને વર્ષાનુવર્ષ ધોરણે 13 ટકાની વૃદ્ધિ થઈ છે.
સામાન્યપણે દેશમાં ઑગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારો આવતા હોવાથી ખાંડની માગમાં વધારો થતો હોય છે. હવે નવા ઓર્ડર હેઠળ પ્રત્યેક મિલ દ્વારા અથવા તો ડીલરો દ્વારા બલ્ક વપરાશકારોને થતાં વેચાણની માત્રાની વિગતો ચકાસવામાં આવશે અને વપરાશની વેચાણકર્તા અથવા ખરીદદારો દ્વારા થતાં વપરાશની જીએસટીનાં રિટર્નમાં એચએસએન કોડ મારફતે ચકાસણી કરવામાં આવશે.
આગામી ઑક્ટોબર મહિનાથી શરૂ થતી ખાંડ મોસમ 2026-27નાં આરંભે 40થી 42 લાખ ટન ખાંડનો સ્ટોક રહેવાની ધારણા ઉદ્યોગ મૂકી રહ્યો છે, જ્યારે રિસર્ચરો 32થી 35 લાખ ટનનો અંદાજ મૂકે છે. જોકે, આ બન્ને અંદાજો 50 લાખ ટનની સ્થાનિક આવશ્યકતા સામે ઓછા છે.