દુબઈઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણવાગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે સાઉદ અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટને લઈને એક નવો દાવો સામે આવી રહ્યો છે. આ દાવા પરથી સમગ્ર સમીકરણ વધારે રસપ્રદ બની ગયું છે. દાવો એવો છે કે, ઈરાનને પણ ઈસ્લામિક નાટોમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર પ્રમુખ મેહદી રહીમીએ જણાવ્યું હતું કે, તહેરાનને ઈસ્લામિક નાટોમાં જોડાવવા માટેનું આમંત્રણ મળ્યું છે. આના પર ખાસ વિચાર કરવામાં આવશે. હકીકત એવી છે કે, પાકિસ્તાને આ માટે પહેલા પોતાની સહમતી દર્શાવીહતી. એ સમયે ઈરાનનો ઉલ્લેખ પણ ન હતો.
સોશિયલ મીડિયા પર કોમેન્ટનો ઢગલો
આ માત્ર એક મીડિયા રિપોર્ટ છે. સત્તાવાર રીતે કોઈ વાત સામે આવી નથી. ઈરાનના વિદેશ મંત્રાલય અથવા હાયર ઓથોરિટીએ આ આમંત્રણની સામે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. કોઈ વાત કહી નથી. કોઈ પ્રકારની સ્પષ્ટતા પણ કરી નથી.બીજી તરફ આ વિષય પર સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી પણ આ વિષય પર મગનું નામ મરી પાડી રહ્યા નથી. ઈરાન આ ગ્રૂપમાં જોડાઈ રહ્યું છે એવા વાવડ સામે આવતા જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ વહેતી થઈ છે.
કેટલાક યુઝર્સે તો સવાલ કરવાનું શરૂ કર્યું. એક યુઝર્સે ટોન્ટ મારતા કહ્યું હતું કે, જે દેશની સામે બચાવ માટે ગઠબંધન બનાવ્યું હવે એ જ દેશને ગ્રૂપમાં સામેલ થવા માટે આમંત્રણ કેવી રીતે આપી શકો? અન્ય એક યુઝરે લખ્યું કે, અમેરિકા ઈરાન પર હુમલો કરે છે તો શું આ સમજૂતીમાં સામેલ બાકીના દેશ પણ અમેરિકાની સામે મોરચો માંડશે? અન્ય એક યુઝરે મજાકીયા અંદાજામાં લખ્યું હતું કે, ઈરાન વગર જ સમગ્ર ગઠબંધન બનાવ્યું છે જે ગઠબંધન જ અધૂરુ છે. હવે જો ઈરાન સામેલ થઈ જાય છે તો આની પાછળનો અસલી હેતું શું હોઈ શકે?
આ દેશે સરપ્રાઈઝ આપી
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી સાથે સંકળાયેલા 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર'ને પશ્ચિમ એશિયામાં એક નવા સંરક્ષણ સમીકરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉદ્દેશ્ય ત્રણેય રાષ્ટ્રો વચ્ચે સુરક્ષા અને પરસ્પર સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાનો છે. સુન્ની બહુમતી ધરાવતા દેશોના આ જૂથને સામાન્ય રીતે ઈરાન વિરુદ્ધ નિર્દેશિત માનવામાં આવે છે. ખરેખર, વિવિધ વર્ગોમાં તેને ઘણીવાર 'ઈસ્લામિક નાટો' તરીકે ઓળખવામાં આવે છે.
આના પરિણામે, જો ઈરાનના સમાવેશના અહેવાલો સાચા સાબિત થાય છે, તો તે આ જોડાણની સમગ્ર રણનીતિ ગતિશીલતાને બદલી શકે છે. જો કે, એ પગલું મહત્વપૂર્ણ છે કે ઈરાનને આમંત્રણ આપવા અંગેનો દાવો ફક્ત મેહદી રહીમીના નિવેદન પર આધારિત છે અને તેમાં સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિનો અભાવ છે.સૌથી મોટો મુદ્દો તો એ છે કે, આ સમગ્ર ગઠબંધન પર બાંગ્લાદેશની નજર છે.
શું બોલ્યા મંત્રી?
ઈસ્લામિક નાટોને લઈને બાંગ્લાદેશ નાનામાં નાની પ્રવૃતિને ટ્રેક કરી રહ્યો છે. બાંગ્લાદેશના બે મંત્રીઓએ ઈસ્લામિક નાટોમાં જોડાવવા માટેની તૈયારી બતાવી.પણ અંતિમ નિર્ણય રાષ્ટ્રના હિતને ધ્યાને લઈને કરવામાં આવશે. બાંગ્લાદેશના વિદેશમંત્રી હુમાયું કબીરે કહ્યું કે, બાંગ્લાદેશ પોતાના હિત અને વૈશ્વિક અર્થવ્યવસ્થા તથા વેપારમાં બદલી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા, પાકિસ્તાન તથા તુર્કી સાથે જોડાયેલા કોઈ આર્થિક કે રક્ષા સંબંધિત ઢાંચામાં સામેલ થવા તરફ કોઈ પોઝિટિવ પગલું લઈ શકે છે.