Fri Sep 04 2026

Logo

ગાંધીનગરમાં ઉત્પલ પટેલ અને સાગરીતોનો વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ! કરોડોનું ફુલેકું ફેરવી ભેજાબાજો ફરાર

2026-08-23 17:41:41
Author: Devayat Khatana
ગાંધીનગરમાં ઉત્પલ પટેલ અને સાગરીતોનો વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ! કરોડોનું ફુલેકું ફેરવી ભેજાબાજો ફરાર

ગાંધીનગર: ગાંધીનગરનામાં 'શુટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીના ડિરેક્ટર મહાઠગ ઉત્પલ પટેલ સહિત 6 શખ્સો સામે આશરે 8.64 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટીમાં ઓફિસ ધરાવતા આ ભેજાબાજોએ ડેટા સ્ટોરેજ માટેની 'ટેરાબાઇટ સ્પેસ સેલ એન્ડ લીઝ બેક' સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપીને અનેક રોકાણકારોના નાણાં ચાંઉ કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. આયોજનબદ્ધ રીતે કૌભાંડ આચરીને આરોપીઓ પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું ખૂલતાં ફરિયાદ નોંધાઈ છે.   

આ મામલે હિંમતનગરની મોતીપુરા મહિલા આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભાઈલાલભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કંપનીના ફાઉન્ડર ઉત્પલ પટેલ અને અન્ય સંચાલકોએ તેમને સમજાવ્યા હતા કે તેમની કંપનીમાંથી ટેરાબાઇટ સ્પેસ ખરીદવાથી દર મહિને નિશ્ચિત ભાડું અને નવા સભ્યો જોડવા પર કમિશન મળશે. આ લોભામણી જાહેરાતોમાં આવી જઈને ફરિયાદીએ પોતાના અને પરિવારના સભ્યોના નામે કુલ 245 ટેરાબાઇટ સ્પેસ ખરીદીને અંદાજે રૂ. 95,40,300  લાખ કરતાં વધારે રૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું.  

શરૂઆતના ગાળામાં રોકાણકારોનો વિશ્વાસ કેળવવા કંપનીએ ફરિયાદીને ભાડા અને કમિશન પેટે 18.42  લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ માર્ચ 2026થી રકમ આપવાનું સાવ બંધ કરી દીધું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓએ ડેટા સ્ટોરેજ માટે કોઈ સર્વર ઊભા જ નહોતા કર્યા અને માત્ર કાગળ પર છેતરપિંડી કરી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, ફરિયાદી ઉપરાંત અન્ય 41  જેટલા સાહેદોએ પણ આ સ્કીમમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 8,64,96,640 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.  

લોકો પાસેથી ઉઘરાવેલા આ કરોડો રૂપિયા આરોપીઓએ પોતાની અન્ય સિસ્ટર કંપનીઓ જેવી કે 'ક્લાઉડજી ટેકનોલોજી લિમિટેડ' અને 'હેરી હોસ્પિટાલિટી'માં ટ્રાન્સફર કરી દીધા હતા. આ સમગ્ર મામલે ડભોડા પોલીસે ઉત્પલ પટેલ, અરૂણ રાય, અરૂણ પટેલ, ભુમી પટેલ, ધ્રુવ ચૌધરી અને સચિન પટેલ સામે બી.એન.એસ. (BNS), જી.પી.આઈ.ડી. (GPID) એક્ટ અને 'ધી બેનીંગ ઓફ અનરેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એક્ટ' હેઠળ ગુનો દાખલ કર્યો છે.