Sat Sep 05 2026

Logo

કાંદિવલીમાં 3.25 કરોડ રૂપિયાનું હેરોઇન પકડાયું: બે યુવકની ધરપકડ

2026-08-21 19:35:34
Author: Yogesh D. Patel
કાંદિવલીમાં 3.25 કરોડ રૂપિયાનું હેરોઇન પકડાયું: બે યુવકની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાંદિવલી વિસ્તારમાંથી 3.25 કરોડ રૂપિયાનું હેરોઇન પકડી પાડીને બે યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને યુવકની ઓળખ આલમ અલી (23) અને નાવેદ અલી (23) તરીકે થઇ હોઇ તેઓ ઉત્તરાખંડના વતની છે અને હાલ તેઓ નાલાસોપારામાં ભાડાના ઘરમાં રહેતા હતા.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-11ના અધિકારીઓએ મુંબઈ અને ઉપનગરોમાં ડ્રગ્સ ખરીદનારા અને વેચનારા લોકોને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હોઇ ગુરુવારે મળેલી માહિતીને આધારે પોલીસ ટીમે કાંદિવલી પશ્ચીમમાં છટકું ગોઠવ્યું હતું અને ખજુરિયા રોડ પર પાલિકાના ગાર્ડન નજીકથી બે યુવકને શંકાને આધારે તાબામાં લીધા હતા.

બંને યુવકની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી 3.25 કરોડ રૂપિયાનું 651 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે બંને યુવક પાસેથી 2.10 લાખ રૂપિયા અને બે મોબાઇલ પણ જપ્ત કર્યા હતા. બંને યુવક વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ નાલાસોપારા વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેતા હતા અને તેઓ અમુક દિવસ અગાઉ ઉત્તરાખંડ ગયા હતા, જ્યાં તેમના મિત્રએ તેમને ડ્રગ્સ આપ્યું હતું અને મુંબઈમાં વેચવા માટે કહ્યું હતું. આથી બંને જણ ડ્રગ્સ લઇને મુંબઈ પાછા ફર્યા હતા, પરંતુ ડ્રગ્સ વેચે એ પહેલા તેઓ પોલીસના સકંજામાં સપડાઇ ગયા હતા.