Sat Sep 05 2026

Logo

મડગાંવ એક્સપ્રેસ ફેમ કુણાલ ખેમુ લાવ્યા નવી કોમેડી ફિલ્મ 'વાઈબ'!

2026-08-21 18:02:58
Author: Darshana Visaria
મડગાંવ એક્સપ્રેસ ફેમ કુણાલ ખેમુ લાવ્યા નવી કોમેડી ફિલ્મ 'વાઈબ'!

બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બંટવારા 1947' બોક્સ ઓફિસ પર છ દિવસમાં માત્ર રૂપિયા 33.60 કરોડની કમાણી કરી શકી હતી. આ દરમિયાન પ્રીટિ ઝિન્ટાના ચાહકો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. પ્રીટિ ઝિન્ટા અને કુણાલ ખેમુ સ્ટારર આગામી કોમેડી-એક્શન ફિલ્મ 'વાઇબ'નું મનોરંજક ટીઝર 21મી ઓગસ્ટે રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

'મડગાંવ એક્સપ્રેસ' જેવી હિટ કોમેડી ફિલ્મ ડિરેક્ટ કર્યા બાદ અભિનેતા કુણાલ ખેમુ આ ફિલ્મ દ્વારા બીજી વખત ડિરેક્ટરની કમાન સંભાળી રહ્યા છે. તેમણે ચિરાગ નિહલાની સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે.

ટીઝરમાં કુણાલ ખેમુ અને 'લાપતા લેડીઝ' ફેમ સ્પર્શ શ્રીવાસ્તવ એવા બે મિત્રોના રોલમાં જોવા મળે છે જેઓ પોતાની સામાન્ય જિંદગી પણ માંડ સંભાળી શકે છે. દેશ પર મોટા આતંકી હુમલાનું જોખમ ઊભું થતાં પ્રીટિ ઝિન્ટા આ બંને મિત્રોને દેશની સુરક્ષાનું અતિ મહત્વનું મિશન સોંપે છે.

જ્યારે પ્રીટિ દેશ બચાવવા કહે છે ત્યારે કુણાલ કહે છે કે જો દેશને મારી જરૂર હોય તો સમજો વાત હાથમાંથી નીકળી ગઈ છે! હું મારી ખુદની સુરક્ષા નથી કરી શકતો, તમે કોઈ પઠાણ કે ટાઈગર જેવા એજન્ટને મોકલો ને! બીજા એક એક સીનમાં પ્રીટિ તેને 'સોલ્જર' બનવા કહે છે ત્યારે કુણાલ જવાબ આપે છે કે હું કેવી રીતે સોલ્જર બનું, હું કોઈ બોબી દેઓલ છું કે શું? અત્રે ઉલ્લેખનીય છે કે 1998ની બ્લોકબસ્ટર ફિલ્મ 'સોલ્જર'માં બોબી દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા જ લીડ એક્ટ્રેસ હતી.

વાત કરીએ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે પ્રીટિ ઝિન્ટા, કુણાલ ખેમુ અને સ્પર્શ શ્રીવાસ્તવ ઉપરાંત ફિલ્મમાં વરિષ્ઠ અભિનેતા યશપાલ શર્મા અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 18મી સપ્ટેમ્બર, 2026ના રોજ દેશભરના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.