અમદાવાદ/નવી દિલ્હી: સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 25 વર્ષનો એક યુવક સાયબર ક્રિમિનલ નેટવર્કનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ સેલ અને ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ (CCE)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આસામના બારપેલા જિલ્લામાંથી રફીકુલ આલમ નામના આ યુવકની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપી દેશભરમાં નોંધાયેલા 1,000 હજાર કરતાં પણ વધુ સાયબર ક્રાઈમના કેસમાં સંડોવાયેલો છે અને તેનો આશરે 1071.5 કરોડ રૂપિયાના ગેરકાયદે નાણાકીય વ્યવહારો સાથે સીધો સંબંધ છે.
ચીનના હેકરો સાથે કનેક્શન
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું છે કે તે ચીનમાં બેઠેલા કુખ્યાત સાયબર ગુનેગારોના સંપર્કમાં હતો અને તેમની સાથે વોટ્સએપ તથા ટેલિગ્રામ જેવા લોકપ્રિય મેસેજિંગ એપ દ્વારા સતત સંપર્કમાં રહીને ફાઈનાન્શિયલ ડિટેલ્સ, સ્કેનર, યુઝર આઈડી, પાસવર્ડ અને ક્રિપ્ટો વોલેટની માહિતી શેર કરતો હતો. આ આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા લોકોને શિકાર બનાવવા માટે મહારાષ્ટ્ર પોલીસ અને સુપ્રીમ કોર્ટના નકલી પત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમજ વરિષ્ઠ નાગરિકોને 'ડિજિટલ અરેસ્ટ' જેવા કાવતરામાં ફસાવવામાં આવતા હતા.
એજન્સીને અંધારામાં રાખવા બેંક ખાતાઓનો ઉપયોગ
આરોપીની કામ કરવાની પદ્ધતિ અત્યંત જટિલ હતી, જેમાં તે સાયબર ઠગાઈ દ્વારા મેળવેલા નાણાંને માત્ર એક જ કલાકની અંદર નાના-નાના હિસ્સામાં વહેંચી નાખતો અને તપાસ એજન્સીને અંધારામાં રાખવા માટે તેને એકસાથે 1700થી પણ વધુ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતો હતો. આ પ્રકારે ગેરકાયદે રીતે પડાવવામાં આવેલી મસમોટી રકમને તે ત્યારબાદ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલી આપતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
ત્રણ દિવસની રેકી બાદ ધરપકડ
પોલીસ અને સીસીઈ (CCE) ની ટીમે આંતરરાષ્ટ્રીય મની લોન્ડરરને ઝડપી પાડવા માટે તેના ઘરની આસપાસ સતત ત્રણ દિવસ સુધી ગુપ્ત રીતે રેકી કરી હતી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તેને દબોચી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી કુલ 23 ક્રિપ્ટો વૉલેટ મળી આવ્યા છે, જેમાંથી અંદાજે 16 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ સફળ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા સમયસર કામગીરી કરીને દેશભરમાં ચાલતા અન્ય 10 સાયબર ઠગાઈના કેસોને અટકાવવામાં પણ મોટી સફળતા મળી છે.