Tue Oct 06 2026

Logo

ભુજ રેન્જ પોલીસનો મોરબી રોડ પર દરોડો: તાડપત્રીની આડમાં લઈ જવાતો રૂ.૨૪ લાખનો દારુ જપ્ત

2026-08-23 11:46:17
Author: Mumbai Samachar Team
ભુજ રેન્જ પોલીસનો મોરબી રોડ પર દરોડો: તાડપત્રીની આડમાં લઈ જવાતો રૂ.૨૪ લાખનો દારુ જપ્ત

 

ભુજ: માળિયા-મોરબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી તાડપત્રીની આડમાં બિનવારસી રીતે લઈ જવાતો રૂ. ૨૪ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સરહદી રેન્જ ભુજની ટુકડીએ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩૪.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ચાલકની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી રેન્જ ભુજ વિભાગની ટુકડી માળિયા-મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા-હળવદ તરફથી એક ટ્રક (જીજે-૧૮-બીટી-૩૨૬૨) વિદેશી શરાબનો નોંધપાત્ર જથ્થો ભરીને કચ્છ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ભીમસર ચોકડી પુલ નીચે ઘેરાબંધી કરી ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી.

ટ્રકની તલાશી લેતાં અંદર તાડપત્રીની આડમાં છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ ૧૬,૯૨૦ નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૨૪,૦૩,૦૦૦નો શરાબ, રૂ ૧૦ લાખની કિંમતની ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ. ૩૪,૦૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાવ અંગે ટ્રકચાલક ખેતારામ ઠાકુરામ માજીરાણા ભીલ (રહે. જાલોર, રાજસ્થાન)ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય