કચ્છઃ નખત્રાણા પંથકમાંથી એક અત્યંત કરૂણ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નખત્રાણાના કોટડા જડોદર નજીક ભાગણવાડા વિસ્તારમાં શનિવારે સાંજે ભંગારની હેરાફેરી કરતા એક છોટા હાથી વાહનમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે વાહનના ફુરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે યુવાન સગા ભાઈઓ અને બે માસૂમ બાળકો સહિત કુલ ૪ લોકોના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા છે.
વાહનમાંથી સામાન ઉતારતી વખતે અચાનક ધમાકો થયો
આ સમગ્ર ઘટના શનિવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ભંગારનો વ્યવસાય કરતા બે ભાઈઓ ફેરી કરીને ઘરે પરત ફર્યા હતા. ઘરના આંગણામાં ઉભેલા વાહનમાંથી સામાન ઉતારતી વખતે અચાનક ધમાકો થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, તેનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો અને વાહનની બોડી તેમજ ડિઝલની ટાંકીના કુરચેફુરચા ઉડી ગયા હતા. આ બ્લાસ્ટમાં 30 વર્ષીય મામદ ઈલિયાસ કુંભાર, 26 વર્ષીય નૂરમામદ ઈલિયાસ કુંભાર સહિત 03 વર્ષીય હસનેન મામદ અને નૂર ફાતિમા નૂરમામદનું મોત થયું છે.
FSL અને એક્સપ્લોઝિવ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા અને નખત્રાણા મામલતદાર રાકેશ પટેલ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ભંગારની સામગ્રીમાં કોઈ વિસ્ફોટક પદાર્થ હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. વિસ્ફોટનું સચોટ કારણ જાણવા માટે એફએસએલ અને એક્સપ્લોઝિવ સ્પેશિયાલિસ્ટની ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે 'છોટા હાથી'ના વિસ્ફોટથી પાછળ આવેલી ડિઝલની ટાંકી ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બાકીની તપાસ અત્યારે ચાલી રહી છે.
ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને અપીલ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ તંત્રે ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ વસ્તુ ખરીદતી કે ઉતારતી વખતે પૂરતી ચકાસણી કરવી અને કાયદાકીય નિયમોનું કડક પાલન કરવું. આ સાથે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અજાણી વસ્તુ દેખાય, તો પહેલા તેની ખાતરી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.