Fri Sep 04 2026

Logo

બોલો લ્યો! પાકિસ્તાને તેની ફજેતી રોકવા તેના જ નાગરિકોને સલાહ દીધી કે સાઉદીમાં જઈને ભીખ ન માંગતા

Islamabad   2026-08-17 22:46:08
Author: Devayat Khatana
બોલો લ્યો! પાકિસ્તાને તેની ફજેતી રોકવા તેના જ નાગરિકોને સલાહ દીધી કે સાઉદીમાં જઈને ભીખ ન માંગતા

પ્રતીકાત્મક તસવીર


ઇસ્લામાબાદ: સાઉદી અરેબિયા જનારા પોતાના જ નાગરિકો અને ઝાયરીનોના વર્તનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતીનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે ઉમરાહ અને હજયાત્રીઓ માટે એક અત્યંત કડક એડવાઈઝરી જારી કરી છે. સાઉદી અરેબિયા સ્થિત પાકિસ્તાની દૂતાવાસે તેના નાગરિકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ ત્યાં જઈને ભીખ માંગવા, ખોટી કે ઉંધી પદ્ધતિઓથી નાણાં એકત્ર કરવા અથવા વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા જેવી હરકતોથી દૂર રહે. દૂતાવાસે કડક શબ્દોમાં જણાવ્યું છે કે સાઉદી સરકારે પવિત્ર શહેરો મક્કા અને મદીનાની આસપાસ ભીખ માંગનારાઓ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે, અને નિયમો તોડનાર સામે ત્વરિત ધરપકડ, જેલ તથા દેશનિકાલની કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાની દૂતાવાસે પોતાની આ ચેતવણીને વધુ અસરકારક બનાવવા માટે સોશિયલ મીડિયા પર એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાંથી આવતા તમામ ઉમરાહ યાત્રીઓ અને કામદારો માટે મહત્વપૂર્ણ સંદેશ. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે નિયમ તોડવા પર સાઉદી પોલીસ દ્વારા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવે છે. દૂતાવાસનો મુખ્ય હેતુ પોતાના નાગરિકોને એવો સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે સાઉદીની જેલોમાં સડવા કરતાં કાયદાનું પાલન કરવું વધુ સારું છે.

દૂતાવાસે જારી કરેલી માર્ગદર્શિકા મુજબ, મક્કા અને મદીનાની મસ્જિદોની આસપાસ કે જાહેર સ્થળો પર કોઈપણ પ્રકારે ભીખ માંગવી અથવા ફંડ એકત્ર કરવું એ એક ગંભીર ગુનો માનવામાં આવશે. ઉમરાહ અથવા વર્ક વિઝા પર સાઉદી આવતા લોકોએ પોતાના વિઝાની નિર્ધારિત સમયમર્યાદા કરતાં વધુ દિવસો સુધી રોકાવું નહીં. તેમજ જે વિઝા કેટેગરી હેઠળ પ્રવેશ મળ્યો છે, તેના સિવાયના કોઈપણ ગેરકાયદેસર કામોમાં કે પરવાનગી વગરની નોકરીઓમાં જોડાવું નહીં તેવી પણ સખત હિદાયત આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા આ કડક પગલાં એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી સાઉદી અધિકારીઓએ એવી ફરિયાદો કરી હતી કે પાકિસ્તાનથી આવતી ગેંગ ઉમરાહ વિઝાના નામે સાઉદી પહોંચીને મક્કા-મદીનાની બહાર ભીખ માંગવાના ધંધામાં સંડોવાય છે. આ શરમજનક સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડાઈ રહી છે, જેને બચાવવા માટે આ નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે.