Thu Aug 20 2026

Logo

સુરતમાં ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યો પરિવાર: 5 વર્ષની માસૂમ બાળકીનું મોત, 4 સભ્યોની હાલત ગંભીર

2026-08-18 12:57:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ રાજ્યમાં વધુ એક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. ડાયમંડ નગરી સુરતના  વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં 5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે માતા-પિતા અને બે દીકરી ગંભીર છે. 

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે15 ઓગસ્ટની રાત્રે પરિવારે એક રેસ્ટોરન્ટમાંથી બે પંજાબી શાક મંગાવીને ખાધા હતા. ભોજન લીધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક બગડતાં તમામને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હૉસ્પિટલમાં સારવાર દરમિયાન આજે  5 વર્ષની બાળકીનું બાળકીનું કરુણ મોત થયું હતું., જ્યારે માતા-પિતા અને અન્ય બે દીકરીઓની હાલત અત્યંત ગંભીર છે. બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પીડિત પરિવારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને  સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય, ખોરાકની ગુણવત્તામાં બેદરકારી દાખવનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

થોડા દિવસ પહેલા ગીર સોમનાથમાં આવેલા હાટ બજાર વિસ્તારમાં આવેલી શિવશક્તિ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યા બાદ 10 બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું.  રાજસ્થાનના જયપુરથી સોમનાથ મંદિરના દર્શન કરવા માટે આવેલા એક પ્રવાસી પરિવારના 10 બાળકોને અહીં જમ્યાં પછી ફૂડ ફોઈઝનિંગ થયું હતું. અચાનક ઊલટી અને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તમામ બાળકોને નજીકની સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા.

એક મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કાલા તળાવ ગામ પાસે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં કુલ 215 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.  રાત્રે હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને મેનૂ પ્રમાણે શાક, ભાખરી, ખીચડી અને ખીર પીરસવામાં આવી હતી. આ ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે એક પછી એક વિદ્યાર્થિનીઓ બીમાર પડવા લાગી હતી. 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.