મુંબઈ: રક્ષાબંધન એક એવો પવિત્ર તહેવાર છે, જે ભાઈ-બહેનના પ્રેમનું અણમોલ પ્રતીક છે. ભાઈ-બહેનનો સબંધ એ આ તહેવારના અવસર પર વધુ મજબૂત બનાવી દે છે, કારણ કે બહેન દ્વારા બાંધવામાં આવતી રાખડીના દરેક તાંતણાં એક રક્ષાકવચ બનીને ઊભા રહે છે. ભાઈ સાત સમુદ્ર પર કેમ ન હોય તેને આશા હોય છે કે બહેન આવે કે ન આવે તેની રાખડી તેના કાંડા પર બંધાવા માટે જરૂર આવશે, જયારે આ પાવન પર્વ આવે ત્યારે 1959માં આવેલી ફિલ્મ 'છોટી બહેન'નું એ મધુર ગીત યાદ આવે છે, જે આજે પણ ભાઈ-બહેનના સંબંધની સૌથી સુંદર મિસાલ માનવામાં આવે છે. 67 વર્ષ બાદ પણ આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીતનું નામ છે 'ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના'. ભાઈ અને બહેન જ નહીં, પરંતુ એ ફિલ્મ આજે પણ એ ગીતને કારણે સૌના માટે યાદગાર રહ્યું છે. એવું તો શું હતી વિશેષતા જાણી લઈએ.
લતાજીના અવાજમાં બન્યું સદાબહાર ગીત
આ સદાબહાર ગીતને પોતાના સુમધુર અવાજથી સજાવનાર દિવંગત લતા મંગેશકર દ્વારા ગાવામાં આવ્યું હતું. આ ગીતને શૈલેન્દ્રજીએ લખ્યું પણ શંકર-જયકિશને સંગીત આપીને ભાઈ-બહેનના સબંધમાં છુપાયેલા પ્રેમ અને વિશ્વાસને અમર કરી દીધા હતા, જેના કારણે આજે આ ગીત રક્ષાબંધન આવતા જ પ્લેલિસ્ટમાં છવાઈ ગયું છે. આ જ કારણે આ ગીત લોકોની અણમોલ યાદોને રક્ષાબંધન પર તાજી બનાવી દે છે.
શું છે ફિલ્મ 'છોટી બહેન'ની કહાની
1959માં આવેલી ફિલ્મ 'છોટી બહેન'માં ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને ત્યાગ પર બનેલી આ ફિલ્મ હિન્દી પારિવારિક ફિલ્મ હતી, જેમાં બલરાજ સાહની, રહેમાન અને નંદા મુખ્ય પાત્રોમાં છે. આ ફિલ્મ ભાઈના પોતાની બહેન પ્રત્યેના અપાર સ્નેહ અને જીવનના સંઘર્ષોની વાત કહે છે. ફિલ્મમાં માતા-પિતાના મૃત્યુ પછી મોટા ભાઈ રાજેન્દ્ર અને શેખર પોતાની નાની બહેન મીનાની સારસંભાળ એકલા કરે છે.
મોટો ભાઈ સોગંધ ખાય છે કે ભાઈ-બહેનનું જીવન પાટે (યોગ્ય રસ્તે ચઢે નહીં) ચડે ત્યાં સુધી તે પોતે લગ્ન કરશે નહીં. શેખરને અમીર છોકરી શોભા સાથે પ્રેમ થઈ જાય છે અને ત્યારે જ મીનાના લગ્ન નક્કી થઈ જાય છે. મીના એક દુર્ઘટનામાં અંધ બની જાય છે, જેથી પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડે છે. પરિવારને આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અંતે ભાઈ-બહેનના પ્રેમની જીત થાય છે.