જો તમે નિયમિતપણે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે મોટા ખુશખબર છે. હવે ટ્રેનની ટિકિટ બુક કરવા અને રેલવે સ્ટેશન જવા માટે અલગ-અલગ એપ્સ વાપરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. જાણીતી રાઈડ-શેરિંગ કંપની ઉબરએ પોતાના એપ પ્લેટફોર્મ પર ટ્રેન ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરી છે.
આ નવી સુવિધા માટે ઉબરે જાણીતા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ ઇક્સિગો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ પાર્ટનરશિપ બાદ મુસાફરો ઉબર એપ દ્વારા સીધી ટ્રેન ટિકિટ બુક કરી શકશે, પીએનઆર સ્ટેટસ ચેક કરી શકશે અને સાથે જ ઘરથી રેલવે સ્ટેશન સુધી કે સ્ટેશનથી ગંતવ્ય સ્થાન સુધી કેબ, ઓટો કે બાઈક રાઈડ પણ એક જ એપથી બુક કરી શકશે.
એક જ એપ પર મળશે 'ઘરથી મંજિલ' સુધીની સંપૂર્ણ સુવિધા:
ભારતમાં એક શહેરથી બીજા શહેરની મુસાફરી (Intercity Travel) ને સુગમ બનાવવા માટે ઉબરે આ મોટો નિર્ણય લીધો છે. ટ્રેન બુકિંગ સુવિધા ઉમેરાતાં હવે Uber એક સંપૂર્ણ મલ્ટિમોડલ મોબિલિટી પ્લેટફોર્મ બની ગયું છે:
યુઝર્સને એપ પર મોટો (બાઈક), ઓટો, કાર, મેટ્રો, ઈન્ટરસિટી કેબ, ઈન્ટરસિટી બસની સાથે હવે ટ્રેન ટિકિટ પણ મળશે.
મુસાફરો ઘરથી નીકળવાથી લઈને અંતિમ મંજિલ સુધીની મુસાફરીનું પ્લાનિંગ સિંગલ એપ પરથી કરી શકશે.
દેશના અનેક મોટા રેલવે સ્ટેશનો પર ઉબરના ડેડિકેટેડ પીક-અપ અને ડ્રોપ-ઓફ પોઈન્ટ્સ હોવાથી સ્ટેશને પહોંચવું અને બહાર નીકળવું વધુ સરળ બનશે.
Uber એપ પરથી ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરવી? (Step-by-Step):
સ્ટેપ 1: સ્માર્ટફોનમાં Uber App ઓપન કરો.
સ્ટેપ 2: હોમ સ્ક્રીન અથવા સર્વિસ સેક્શનમાં જઈને 'Bus & Train' વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 3: ત્યારબાદ 'Train Tickets' પર ક્લિક કરો.
સ્ટેપ 4: બોર્ડિંગ સ્ટેશન (Origin) અને ગંતવ્ય સ્ટેશન (Destination) દાખલ કરી મુસાફરીની તારીખ પસંદ કરો.
સ્ટેપ 5: ઉપલબ્ધ ટ્રેનોની યાદીમાંથી તમારી અનુકૂળ ટ્રેન અને ક્લાસ સિલેક્ટ કરો.
સ્ટેપ 6: પેમેન્ટ પૂર્ણ કરીને ટિકિટ બુકિંગ કન્ફર્મ કરો.
સ્ટેપ 7: બુકિંગ પછી ટિકિટ ડિટેલ્સ અને PNR સ્ટેટસ પણ એપમાં જ જોઈ શકાશે તેમજ સ્ટેશન જવા-આવવા માટે સમયસર રાઈડ પણ શિડ્યુલ કરી શકાશે.