અયોધ્યાઃ અયોધ્યાના શ્રી રામ મંદિર સાથે જોડાયેલા પ્રસાદના નામનો ઉપયોગ કરીને સામાન્ય મીઠાઈઓ વેચવાની મંજૂરી આપવી ઈ-કોમર્સ કંપની Amazonને ભારે પડી છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ એટલે કે CCPAએ Amazon Seller Services Private Limited પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.આ સાથે સમગ્ર કેસમાં તપાસના આદેશ આપ્યા છે. જેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવો પડશે. પ્રાધિકરણના જણાવ્યા અનુસાર,‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે લિસ્ટ કરવામાં આવેલા ઉત્પાદનો માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કોઈ માન્ય પરવાનગી રજૂ કરવામાં આવી ન હતી.
આખરે શું છે આખો મામલો?
આ તૈયાર પ્રસાદના ઉત્પાદન તા. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં Amazon પર લિસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રામ મંદિર સાથે જોડાયેલા ધાર્મિક ઉત્પાદનો અને પ્રસાદની માંગમાં પણ ભારે રસ જોવા મળ્યો હતો.એ સમયે આ બધુ હકીકત હોય એવું લાગી રહ્યું હતું. તા.19 જાન્યુઆરી 2024ના રોજ CCPAએ Amazonને કારણદર્શક નોટિસ ફટકારી છે.
આ નોટિસ મળ્યા બાદ એમેઝોન કંપનીએ આ વિષય સંબંધિત લિસ્ટિંગ દૂર કરી દીધી હતી.આ માટે કેટલીક લિંક પણ હટાવી દેવામાં આવી હતી. જ્યારે આ મામલો સામે આવ્યો એ સમયે અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પ્રાધિકરણનું માનવું હતું કે, આ પ્રકારના લિસ્ટિંગને રોકવા માટે પ્લેટફોર્મે શરૂઆતથી જ યોગ્ય તપાસ કરીને પગલાં લેવાની જરૂર હતી પણ એવું થયું નથી.
આસ્થાના કેન્દ્રના નામે વેપલો
અયોધ્યા હિંદુ પરંપરામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ તરીકે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે મંદિર નિર્માણનો લાંબો કાયદાકીય અને ઐતિહાસિક વિવાદ રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2019માં પોતાના ચુકાદામાં મંદિર નિર્માણ માટે જમીન ફાળવવાનો માર્ગ મોકળો કર્યો હતો. ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી અને મંદિર નિર્માણની પ્રક્રિયા આગળ વધી.આજે મંદિર તૈયાર થયા બાદ હવે એના નામે પ્રસાદને લઈને વિવાદ સામે આવ્યો છે.
વિશ્વસનીય માની શકે છે
CCPA અનુસાર, એમેઝોન જેવા મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કોઈ ઉત્પાદન લિસ્ટ થાય ત્યારે સામાન્ય ગ્રાહક તેના નામ અને લિસ્ટિંગને વિશ્વસનીય માની શકે છે. પ્રાધિકરણના જણાવ્યા મુજબ, સંબંધિત ઉત્પાદનો દેશભરમાં ડિલિવરી માટે ઉપલબ્ધ હતા. એક વેચનાર ‘ચંદૂ ટ્રેડિંગ કંપની’ની લિસ્ટિંગમાંથી આશરે ₹25.26 લાખની ગ્રોસ વેચાણ રકમ થઈ હોવાનું પણ CCPAએ નોંધ્યું છે.
એમેઝોનને તેના માર્કેટપ્લેસ સંચાલન હેઠળ કમિશન અથવા ફીથી આવક પણ થઈ હતી. CCPAએ આ મામલાને માત્ર ભ્રામક વેપાર પ્રથા તરીકે જ નહીં, પરંતુ કરોડો લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો મુદ્દો પણ ગણાવ્યો છે. ‘રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ નામનો ઉપયોગ ગ્રાહકને એવું માનવામાં આવી શકે છે કે આ ઉત્પાદન ખરેખર મંદિર અથવા સંબંધિત ધાર્મિક સંસ્થા દ્વારા માન્ય છે. આ પ્રકારના લિસ્ટિંગ અંગે વધુ કડક ચકાસણી વ્યવસ્થા લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
મંજૂરી અનિવાર્ય છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપરાંત તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ, વૈષ્ણો દેવી મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, જગન્નાથ મંદિર, કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વર જેવા 10 મોટા ધાર્મિક સંસ્થાનોના પ્રસાદ, પ્રસાદમ, મહાપ્રસાદ, ભોગ વગેરે વેચતા પહેલાં સંબંધિત સંસ્થાની ચકાસેલી મંજૂરી જરૂરી રહેશે.
એમેઝોનને વેચનારનું સંપૂર્ણ નામ-વિગત, સરનામું, ગ્રાહક સેવા નંબર અને ફરિયાદ અધિકારીની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની સૂચના આપવામાં આવી છે.કીવર્ડ આધારિત તપાસ વ્યવસ્થા દ્વારા આવી શંકાસ્પદ લિસ્ટિંગ ઓળખીને દૂર કરવાની વ્યવસ્થા પણ મજબૂત કરવાની રહેશે. CCPAએ કંપનીને ₹1 લાખનો દંડ 15 દિવસની અંદર જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પ્રાધિકરણ આગામી કેટલાક મહિનાઓમાં આ નવી તપાસ વ્યવસ્થા કેટલી અસરકારક છે તેની સમીક્ષા પણ કરી શકે છે.