Wed Aug 26 2026

Logo

સારાંશ જૈન સૌથી મોટી ઉંમરનો ભારતીય ડેબ્યૂટન્ટ, શુભમને કપિલને પાછળ રાખી દીધા

colambo   2026-08-23 17:10:34
Author: Ajay Motiwala
સારાંશ જૈન સૌથી મોટી ઉંમરનો ભારતીય ડેબ્યૂટન્ટ, શુભમને કપિલને પાછળ રાખી દીધા

કોલંબોઃ શ્રીલંકા સામે બે મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી સરસાઈ લીધા બાદ ભારતે રવિવારે બીજી ટેસ્ટમાં શરૂઆત કરી ત્યારે ટીમના એક ખેલાડી (સારાંશ જૈન)એ ભારતની અનોખી રેકૉર્ડ-બુકમાં નામ નોંધાવ્યું અને ટી-ટાઇમ પહેલાં વધુ એક ખેલાડી (શુભમન ગિલ)એ એવી સિદ્ધિ મેળવી જેમાં તેણે એક દિગ્ગજને પાછળ રાખી દીધા હતા.

33 વર્ષના ઑફ-સ્પિનર સારાંશ જૈને રવિવારે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી. તેને `બાપુ' રવીન્દ્ર જાડેજાના શુભહસ્તે ટેસ્ટ કૅપ (Cap) મળી એ સાથે સારાંશ એકવીસમી સદીમાં ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડી બન્યો હતો. તે 1999ની સાલ પછીનો સૌથી મોટી ઉંમરનો ભારતીય ડેબ્યૂટન્ટ બન્યો. તેની ઉંમર 33 વર્ષ અને 145 દિવસ છે.

આ પહેલાં કોઈ ભારતીય ખેલાડીએ જીવનના 33 વર્ષ પૂરા કર્યા બાદ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હોય એવું 1999ની સાલમાં બન્યું હતું, જ્યારે રૉબિન સિંહે (ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં) ભારત વતી ટેસ્ટમાં રમવાનું શરૂ કર્યું હતું.

સારાંશ જૈને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 2014માં રમવાનું શરૂ કર્યું હતું. તેણે અસરદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મધ્ય પ્રદેશને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી મૅચો રમ્યો મૅચો જિતાડી હતી. તેને કોલંબોમાં કુલદીપ યાદવની જગ્યાએ પ્લેઈંગ ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.

આઇપીએલ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સારાંશ જૈન (Saransh Jain) ત્રીજો ભારતીય ખેલાડી છે. આ પહેલાં મુરલી વિજયે 2008માં આઇપીએલમાં કરીઅર શરૂ કરતાં પહેલાં ઑસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમીને ટેસ્ટ-કારકિર્દી શરૂ કરી હતી. મોહમ્મદ શમીએ આઇપીએલની પહેલાં 2013માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.

દરમ્યાન, શુભમન ગિલ ટેસ્ટમાં 3,000 રન પૂરા કરનાર ભારતનો ચોથા નંબરનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. તેણે આ ભારતીય રેકૉર્ડ-બુકમાં કપિલ દેવને પાછળ રાખી દીધા છેઃ (1) સચિન તેન્ડુલકરઃ 23 વર્ષ, 228 દિવસની ઉંમરે ટેસ્ટમાં 3,000મો રન (2) વીરેન્દર સેહવાગઃ 26 વર્ષ, 157 દિવસની ઉંમરે ટેસ્ટમાં 3,000મો રન (3) દિલીપ વેન્ગસરકરઃ 26 વર્ષ, 263 દિવસની ઉંમરે ટેસ્ટમાં 3,000મો રન (4) શુભમન ગિલઃ 26 વર્ષ, 349 દિવસની ઉંમરે 3,000મો રન (5) કપિલ દેવઃ 26 વર્ષ, 356 દિવસની ઉંમરે ટેસ્ટમાં 3,000મો રન.