Fri Sep 04 2026

Logo

મધદરિયે ફસાયેલી બોટમાંથી કોસ્ટ ગાર્ડે 9 માછીમારોને હેમખેમ ઉગાર્યા: જુઓ મધરાતનું રેસ્ક્યુ ઓપરેશન

2026-08-23 18:33:07
Author: Devayat Khatana
મધદરિયે ફસાયેલી બોટમાંથી કોસ્ટ ગાર્ડે 9 માછીમારોને હેમખેમ ઉગાર્યા: જુઓ મધરાતનું રેસ્ક્યુ ઓપરેશન

@IndiaCoastGuard


બેંગલુરુ: દરિયામાં અચાનક બોટનું એન્જિન બંધ થઈ જતાં દરિયા વચ્ચે ફસાઈ ગયેલા માછીમારોની વહારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આવ્યું હતું. કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં ફસાયેલા માછીમારોને બચાવવા માટે એક સફળ અને ઝડપી ઓપરેશન પાર પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકના દરિયાકાંઠેથી 20 નોટિકલ માઈલ દૂર 'કારુણ્યમ' (IND-TN-15-MM-7971) નામની માછીમારી બોટનું એન્જિન અચાનક ખોટવાઈ ગયું હતું. આ બોટ દરિયામાં અટવાઈ ગઈ હોવાની જાણ થતાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ C-448 તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને 22 ઓગસ્ટની રાત્રે એક સર્ચ એન્ડ રેસ્ક્યુ  ઓપરેશન હાથ ધર્યું હતું.

ખરાબ હવામાન અને તોફાની દરિયા વચ્ચે પણ તટરક્ષક દળની ટીમે ભારે જહેમત ઉઠાવીને આ ફસાયેલી બોટને શોધી કાઢી હતી. કોસ્ટ ગાર્ડના જવાનોએ બોટમાં સવાર તમામ 9 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ કર્યો હતો અને તેઓને સુરક્ષિત રીતે મેંગ્લોરના જૂના બંદર ખાતે લાવવામાં આવ્યા હતા. આ સફળ બચાવ કામગીરીથી કોસ્ટ ગાર્ડે ફરી એકવાર દરિયામાં પ્રાણ જોખમમાં મુકાયેલા માછીમારોના જીવને બચાવી લીધા હતા. 

ઉલ્લેખનીય છે ગયા અઠવાડિયે નવસારીના કૃષ્ણપુરથી ઓખા બંદર તરફ જઈ રહેલી 'જય માલા' નામની ફિશિંગ બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે પાણીમાં ડૂબવા લાગી હતી. ધોલાઈ બંદરથી આશરે બે નોટિકલ માઈલ દૂર ફસાયેલી આ બોટમાં સવાર નવ જેટલા માછીમારોના પ્રાણ જોખમમાં મુકાયા હતા. આ અંગે કટોકટીનો સંદેશ મળતા જ દમણ કોસ્ટ ગાર્ડે તાત્કાલિક ધોરણે ત્વરિત બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન, દમણના પાયલોટ બલવિંદર સિંહે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટમાં ઘણા કલાકોથી પાણી ભરાઈ જવાના કારણે તે ડૂબી જવાની અણી પર હતી અને તેમાં સવાર તમામ ખલાસીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. કટોકટીનો આ એલર્ટ મળતાની સાથે જ એર સ્ટેશન દ્વારા વિના વિલંબે ચેતક હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની સમયસૂચકતા અને સચોટ આયોજનને કારણે દરિયાના વચ્ચે ફસાયેલા તમામ નવ માછીમારોના જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.

હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા બાદ તમામ માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો. બચેલા માછીમારો પૈકી એક જણે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, બોટનું એન્જિન બગડી જવાથી અચાનક બંધ થઈ ગયું હતું અને બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું, પરંતુ સમયસર હેલિકોપ્ટર આવી પહોંચતા અમારો આબાદ બચાવ થયો છે અને હવે અમે સુરક્ષિત છીએ. તમામ સુરક્ષિત માછીમારોને દમણ લાવ્યા બાદ તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેમને જરૂરી સારવાર પણ પૂરી પાડવામાં આવી હતી.