કોલંબોઃ શ્રીલંકા બે મૅચવાળી ટૂંકી સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયું એટલે હવે તેઓ કોલંબો (COLOMBO)ની બીજી ટેસ્ટ જીતીને પણ સિરીઝની ટ્રોફી પર કબજો ન કરી શકે એટલે સ્વાભાવિક છે કે એના આક્રમક ખેલાડીઓ (ખાસ કરીને અગ્રેસિવ મૂડમાં બોલિંગ કરનાર ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો)ના મગજમાં રહેલી હતાશા અને કરોડપતિ ભારતીયો પ્રત્યેનો દ્વેષ બહાર આવે. રવિવારે તેમના એક ખેલાડીએ એવા જ આક્રમક મિજાજમાં યશસ્વી જયસ્વાલને ઉશ્કેર્યો હતો અને બન્ને જણ મારામારી સુધી આવી ગયા હતા.
યશસ્વી સાથે ગૉલની મજાકનો બદલો લીધો?
યશસ્વી (Yashasvi)એ બાવન બૉલમાં નવ ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. તેનો 53મો બૉલ ફર્નાન્ડોની ઓવરનો આખરી બૉલ હતો જેમાં તે ક્લીન બોલ્ડ થયો હતો. ગૉલની પ્રથમ ટેસ્ટમાં નિરોશન ડિકવેલા સાથે યશસ્વીએ જે રમૂજ કરી હતી એ શ્રીલંકનોને બરાબર યાદ હશે. એમાં એવું બન્યું કે યશસ્વીએ ફીલ્ડિંગ દરમ્યાન ડિકવેલા પાસે જઈને તેને એક સ્ટૅન્ડ તરફ હાથ બતાવીને તેને કહ્યું કે `મારે તારા ફેમસ શૉટ જોવા છે. પેલા સ્ટૅન્ડ તરફ બૉલ મોકલી દે તો માનું.' ડિકવેલાએ તેને સામું મજાકમાં કહ્યું, `મને આઇપીએલમાં લઈજા, એમાં રમવાની ખૂબ ઇચ્છા છે.' યશસ્વીએ તેને આઇપીએલમાં તક અપાવવાની ખાતરી આપી હતી.
યશસ્વી ક્લીન બોલ્ડ થયા પછી મૂંઝાઈ ગયો
યશસ્વીની ડિકવેલા સાથેની આ મજાકને હજી અઠવાડિયું પણ નથી થયું ત્યાં ખુદ યશસ્વી પર શ્રીલંકાના પ્લેયર સાથે ઘર્ષણમાં ઊતરવું પડ્યું. તે રવિવારે ફર્નાન્ડોના બૉલમાં ક્લીન બોલ્ડ થયા બાદ મૂંઝવણમાં પાછો જઈ રહ્યો હતો ત્યારે ફર્નાન્ડો કંઈક ઉશ્કેરણીજનક કમેન્ટ કરીને સાથીઓ સાથે વિકેટ સેલિબ્રેટ કરવા લાગ્યો હતો.
Heated Moment between Yashasvi Jaiswal and Asitha Fernando 👀 pic.twitter.com/TEDpvcYEc5
— THE YELLOW STAND (@_theyellowstand) August 23, 2026
ગુસ્સામાં ફર્નાન્ડોના માથાને હેલ્મેટ અડાડી
`જેન્ટલમેન્સ ગેમ'માં રવિવારે વાતાવરણ કંઈક જૂદું જ હતું. ફર્નાન્ડોની ટિપ્પણી સાંભળીને યશસ્વી પાછો આવ્યો હતો અને તેને વળતો જવાબ આપતી કમેન્ટ કરી હતી. બન્ને સામસામે આવી ગયા હતા. યશસ્વીએ હજી હેલ્મેટ ઉતારી નહોતી અને ગુસ્સામાં તેણે ફર્નાન્ડોના માથાને હેલ્મેટ થોડી અડાડી હતી. તેમણે એકમેકને ધક્કો માર્યો હતો. અન્ય ફીલ્ડરોએ બન્નેને ન છોડાવ્યા હોત તો તેઓ મારામારી પર જ ઊતરી પડ્યા હોત.