મુંબઈઃ આગામી વર્ષ 2030 સુધીમાં દેશમાં કોલસાની માગ વધીને 1.6 અબજ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એક ટોચના સરકારી અધિકારીએ વ્યક્ત કરવાની સાથે સાથે પારદર્શક અને બજાર પરિબળોને આધિન ભાવની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો હતો. અત્રે ગત શુક્રવારે યોજાયેલ ગ્લોબલ કૉમૉડિટી કોન્ક્લેવને સંબોધતાં કેન્દ્રીય કૉલ સચિવ વિક્રમ દેવ દત્તે જણાવ્યું હતું કે કૉલ એક્સચેન્જ (કોલસાના એક્સચેન્જ)ની સ્થાપના એક સ્વતંત્ર બજાર તરીકે કામ કરવા માટે રચાયેલ સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ મદદરૂપ થશે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લાં બે નાણાકીય વર્ષથી સ્થાનિકમાં કોલસાના ઉત્પાદને એક અબજ ટનની સપાટી વટાવી છે અને કોલસો ઊર્જાની જરૂરિયાતનો મુખ્ય આધાર હોવાથી માગમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી વર્ષ 2030 સુધીમાં દેશમાં કોલસાની માગ 1.6 અબજ ટન સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આપણે એવા બિંદુ પર પહોંચ્યા છીએ કે કોલસાની અછતની સ્થિતિ તરફથી અતિરિક્ત પુરવઠાની સ્થિતિ તરફ વધી રહ્યા છીએ.
આવી સ્થિતિમાં વધુ અસરકારક, પારદર્શક અને બજાર પરિબળોને આધીન કોલસાના વેપારની જરૂર છે. જોકે, નોંધનીય બાબત એ છે કે હાલમાં જાહેર ક્ષેત્રની કંપની કૉલ ઈન્ડિયા લિ.ઈજારાશાહી ભોગવી રહી છે. જ્યારે આ મૉડૅલ ડિઝાઈન કરવામાં આવ્યું હતું તે સમય માટે તેનો હેતુ પૂરો થયો હતો. આ મૉડૅલ સ્પર્ધાત્મક, પારદર્શક અને કાર્યક્ષમ ધોરણે ભાવ સંશોધનને પ્રતિબિંબિત નથી કરતું. કોલસાનું એક્સચેન્જ વાણિજ્યિક અને કેપ્ટિવ ખનનકર્તાને વિશાળ બજારમાં તૈયાર અને પારદર્શક પ્રવેશ પ્રદાન કરશે. તેમ જ ખરીદદારો અને વેચાણકર્તાઓ એક સાથે બોલી લગાવી શકે છે. કાર્યક્ષમ, સ્પર્ધાત્મક અને બજાર આધારિત ભાવ સંશોધનને સક્ષમ બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર આગામી મહિનાઓમાં કોલસા એક્સચેન્જને કાર્યરત કરવાની યોજના ધરાવે છે. જોકે, તેમણે એક્સચેન્જ શરૂ થવાનો કોઈ સમયગાળો નહોતો જણાવ્યો. તેમણે કહ્યું હતું કે એક્સચેન્જ ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે કેન્દ્રીય પ્રતિપક્ષ તરીકે કાર્ય કરશે, જેના દ્વારા ખરીદદારો અને વેચાણકર્તા બન્ને માટેના જોખમ વ્યવસ્થાપનમાં સુધારો થશે અને તે સમય જતાં કોલસા માટે ડેરિવેટીવ્સ બજાર માટે પાયો નાખવામાં પણ મદદ કરી શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોલસા એક્સચેન્જ એક એવો સુધારો છે જે વ્યવસાય કરવાની સરળતાને સક્ષમ અને વ્યવસાય વધારવા પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને આધુનિક આત્મનિર્ભર ઊર્જાની ઈકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે તે ભારતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે અને વિકસિત ભારત 2047નાં પરિપ્રેક્ષ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપશે.