મુંબઈઃ મુંબઈમાં એસી સબર્બન ટ્રેનમાં મરાઠી ભાષા બોલવાના આગ્રહ સાથે શરૂ થયેલો વિવાદ હવે ગરમાયો છે. પશ્ચિમ રેલવેમાં અંધેરી સ્ટેશન નજીક એક એસી સબર્બન ટ્રેનમાં મુસાફર અને ટિકિટ ચેકર વચ્ચે થયેલી તકરાર અંગેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રેલવે કર્મચારીએ કાયદા અને નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર કામગીરી કરી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્ટાફે રેલવે અધિનિયમ ૧૯૮૯ (જન વિશ્વાસ અધિનિયમ ૨૦૨૬ દ્વારા સુધારેલા)ની જોગવાઈઓ અને ટિકિટ ચેકિંગને લગતા હાલના નિયમો અને સૂચનાઓ અનુસાર કાર્યવાહી કરી હતી. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર ટિકિટ ચેકિંગ સ્ટાફ શનિવારે બપોરે ૨.૦૬ વાગ્યે વિરાર ખાતે એસી લોકલ ટ્રેનમાં ચઢ્યો હતો અને મુસાફરને તેની માન્ય ટિકિટ બતાવવાનું કહ્યું હતું .
પ્રવાસીએ મરાઠીમાં ટિકિટ માંગવાનો આગ્રહ રાખ્યો હતો. વિનંતીનો આદર કરીને ટિકિટ ચેકરે ત્યાર બાદ મરાઠીમાં ટિકિટ માંગી હતી, પરંતુ મુસાફરે સ્ટાફ સાથે દલીલ કરવાનું ચાલુ રાખ્યું હતું. ટિકિટ તપાસ પ્રક્રિયામાં વિક્ષેપ પાડ્યો અને સત્તાવાર ફરજો બજાવવામાં દખલ કરી હતી, એમ નિવેદનમાં જણાવાયું હતું.
વધુ ખલેલ અટકાવવા માટે મુસાફરને અંધેરી રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યો અને કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી માટે આરપીએફ ઓફિસમાં લઈ જવામાં આવ્યો, એમ તેમાં ઉમેર્યું હતું.
મુસાફરની અટકાયતને કારણે આરપીએફ કાર્યાલયની બહાર 'મરાઠી એકીકરણ સમિતિ'ના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રવાસીએ આક્ષેપ કર્યો હતો કે મરાઠીમાં વાત કરવાનો આગ્રહ રાખવા બદલ તેને હેરાન કરવામાં આવ્યો હતો.
લોકલ ટ્રેનની અંદર થયેલી બોલાચાલી અને ત્યાર બાદ થયેલા વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયા હતા, જેના પગલે રેલવેએ આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.