Sat Sep 05 2026

Logo

મેલબર્નમાં મોદીએ સ્ટીવ વૉને આ ગિફ્ટ આપીને ચોંકાવી દીધો!

Melbourne   2026-07-10 20:17:00
Author: Ajay Motiwala
મેલબર્નમાં મોદીએ સ્ટીવ વૉને આ ગિફ્ટ આપીને ચોંકાવી દીધો!

PTI


મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર ગયા ત્યારે ત્યાં ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉ સાથે તેમની મુલાકાત થઈ હતી જે દરમ્યાન મોદીએ વૉને એક જૂનો ફોટોગ્રાફ ભેટ આપ્યો હતો જે જોઈને સ્ટીવ વૉને સુખદ આશ્ચર્ય થયું હતું.

આ તસવીર બે દાયકા પહેલાંની હતી. ત્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને ત્યારે સ્ટીવ વૉ સાથે તેમનું પહેલી વાર મળવાનું થયું હતું અને ગુજરાત રાજ્ય માટેની એ મીટિંગ સમયની તસવીર બક્ષિસમાં આપીને મોદીએ સ્ટીવ વૉને ચોંકાવી દીધો હતો.

માર્ચ, 1877માં (149 વર્ષ પૂર્વે) સૌપ્રથમ ટેસ્ટ મૅચ મેલબર્ન (Melbourne)માં રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે 45 રનથી વિજય મેળવ્યો હતો. મેલબર્નમાં પીએમ મોદી (Modi)ની મુલાકાત વખતે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝ તેમ જ ભારતીય મૂળની ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર લિસા સ્થલેકરની પણ હાજરી હતી.

ભારત અને ઑસ્ટ્રેલિયાએ શુક્રવારે બન્ને દેશ વચ્ચેના સ્પોર્ટ્સ કૉલેબોરેશન રોડમૅપનું અનાવરણ કર્યું હતું. આ સહકાર-યોજના હેઠળ ડિસેમ્બરમાં ચેન્નઈના ચેપૉક ખાતે એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી જ વખત ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)ની મૅચ રમાશે. બિગ બૅશની નવી સીઝનની એ પહેલી મૅચ હશે જે મેલબર્ન રેનેગેડ્સ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાશે. ક્રિકેટ જગતમાં સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટોમાં આઇપીએલ પછી બીજો નંબર બિગ બૅશનો છે.

ANI

પીએમ મોદીએ મેલબર્નની સ્પીચમાં કહ્યું, `બિગ બૅશ લીગની મૅચ ભારતમાં (ચેન્નઈમાં) રમાશે એ બદલ હું ખૂબ ખુશ છું. ભારતમાં કોઈ પણ ખેલકૂદ લીગ ટૂર્નામેન્ટની મૅચ રમાય તો એને વ્યાપક સ્તરે જબદરસ્ત વ્યૂઅરશિપ મળે એની ખાતરી છે.'

એમસીજીમાં પીએમ મોદી અને પીએમ ઍન્થની ઍલ્બનીઝે જે રોડમૅપ લૉન્ચ કર્યો એમાં ખેલકૂદને લગતી તાલીમ તથા ક્ષમતાનો વિકાસ કરવા વિશે એકમેકને સહકાર આપવો, સ્પોર્ટ્સ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજીની આપ-લે તેમ જ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી તથા ઇન્વેસ્ટમેન્ટ જેવી બાબતોનો સમાવેશ છે. બન્ને દેશ યુથ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન પણ કરશે.

મોદીએ મહિલા ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ઑસ્ટ્રેલિયાને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે `બન્ને દેશ માટે આ મહત્ત્વનો દાયકો છે. 2030માં ભારતમાં કૉમનવેલ્થ ગેમ્સનું અને ઑસ્ટ્રેલિયામાં 2032માં બ્રિસ્બેન ઑલિમ્પિક્સનું આયોજન થશે.'