થાણેના મુમ્બ્રામાં યોજાશે સેનાની ભરતી રેલી, જાણો જરૂરી દસ્તાવેજો અને વિગતો
મુંબઈઃ મહારાષ્ટ્રના 8 જિલ્લાઓ માટે 20 જુલાઈથી અગ્નિવીર ભરતી રેલી શરૂ થઈ રહી છે. ઓનલાઈન પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો માટે મુમ્બ્રામાં શારીરિક કસોટી યોજાશે. આર્મી રિક્રુટિંગ ઓફિસ (એઆરઓ), મુંબઈએ મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલી ૨૦ જુલાઈથી યોજાવાની જાહેરાત કરી છે.
નંદુરબાર, ધુળે, નાસિક, થાણે, પાલઘર, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર અને રાયગઢના રહેવાસીઓ ભરતી ઝુંબેશમાં ભાગ લઈ શકે છે, જે થાણેના મુમ્બ્રામાં મૌલાના અબુલ કલામ આઝાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.
અગ્નિપથ યોજના હેઠળ લેવામાં આવતી ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં સફળ થયેલા ઉમેદવારો માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામો ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને શારીરિક તંદુરસ્તી કસોટી, શારીરિક માપન કસોટી, શારીરિક કાર્યક્ષમતા સંબંધિત ઇવેન્ટ્સ, તબીબી તપાસ અને અન્ય રેલી પ્રક્રિયાઓ માટે પ્રવેશ કાર્ડ/કોલ લેટર્સ ઓનલાઈન જારી કરવામાં આવશે.
નિવેદનમાં જણાવાયું છે કે ઉમેદવારોને નિયમિતપણે ભારતીય સેનાની ભરતી વેબસાઇટનું નિરીક્ષણ કરવાની અને પરિણામોની જાહેરાત અને પ્રવેશ કાર્ડ/કોલ લેટરની ઉપલબ્ધતા સંબંધિત અપડેટ્સ માટે તેમના નોંધાયેલા ઈ-મેલ આઈડી અને મોબાઇલ ફોન તપાસવાની સલાહ આપવામાં આવી છે. તેમણે તેમના પ્રવેશપત્રો ડાઉનલોડ અને પ્રિન્ટ કરવા જોઈએ અને તેમાં દર્શાવેલ તમામ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ, એમ તેમાં ઉમેર્યું હતું.
ઉમેદવારોએ ખાતરી કરવી કે રેલીમાં રિપોર્ટિંગ દરમિયાન કોઈપણ અસુવિધા ટાળવા માટે પ્રવેશપત્રમાં ઉલ્લેખિત તમામ જરૂરી મૂળ દસ્તાવેજો, શૈક્ષણિક પ્રમાણપત્રો, નિવાસ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર (જ્યાં લાગુ પડે), ચારિત્ર્ય પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા.
તેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ઉમેદવારને પ્રવેશપત્રમાં ઉલ્લેખિત તારીખ સિવાય અન્ય કોઈપણ તારીખે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉમેદવારોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ એવા કોઈ વચેટિયાઓના શિકાર ન બને જેઓ ભારતીય સેનામાં ભરતી કરાવી આપવાનો ખોટો દાવો કરતા હોય.