Tue Aug 25 2026

Logo

ઐતિહાસિક જીત બાદ હરમનપ્રીતની ઈચ્છા: 'આશા છે કે અમને વધુ 10 ટેસ્ટ રમવા મળશે'

London   2026-07-13 22:15:25
Author: Mumbai Samachar Team
ઐતિહાસિક જીત બાદ હરમનપ્રીતની ઈચ્છા: 'આશા છે કે અમને વધુ 10 ટેસ્ટ રમવા મળશે'

@BCCIWomen


લંડનઃ ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 270 રનના વિશાળ અંતરથી હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ભવિષ્યમાં વધુ ટેસ્ટ ક્રિકેટની આશા વ્યક્ત કરી હતી. હરમનપ્રીતે મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં કહ્યું હતું કે, "ભગવાન શ્રેષ્ઠ લેખક છે અને તેમણે આ વાર્તા સુંદર રીતે લખી છે. લોર્ડ્સમાં રમવું હંમેશાં ખાસ રહે છે. હું તે દરેકનો આભાર માનવા માંગુ છું જેમણે આ મેદાન પર મહિલા ટેસ્ટનું આયોજન કરવાનું વિચાર્યું."

વધુમાં તેણીએ કહ્યું હતું કે "આશા છે કે, અમને અહીં વધુ મેચ રમવાની તક મળશે. આશા છે કે અમે વધુ 10 ટેસ્ટ રમીશું અને સારું પ્રદર્શન કરતા રહીશું." હરમનપ્રીતે વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાની સદીની પ્રશંસા કરતા કહ્યું કે આ ટીમની સૌથી મજબૂત એકતા છે. તેથી જ અમે તેણીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી. તે જે રીતે બેટિંગ કરે છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. અમારા ઓપનર્સ આ ટીમની સૌથી મોટી તાકાત રહ્યા છે. મેચના પહેલા ભાગમાં તેમને બેટિંગ કરતા જોવા અદભૂત હતા."

તેણીએ કહ્યું હતું કે , "આખી ટીમે શાનદાર ફિલ્ડિંગ કરી. બધા ખેલાડીઓએ સાથે મળીને ટીમમાં યોગદાન આપ્યું. હરમનપ્રીતે મુખ્ય કોચ અમોલ મઝુમદાર અને સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ મુશ્કેલ સમયમાં પણ ખેલાડીઓનું મનોબળ ઊંચું રાખ્યું. ટીમના સપોર્ટ સ્ટાફને ક્રિકેટના આ ફોર્મેટમાં રમવાનો બહોળો અનુભવ છે. તેમને પરિસ્થિતિઓની સારી સમજ છે અને તેઓ અમને હંમેશા માહિતગાર રાખતા રહ્યા."

ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયા બાદ ભારતે આ ટેસ્ટ મેચ રમી હતી. હરમનપ્રીતે કહ્યું, "હું અમોલ સર અને સમગ્ર સપોર્ટ સ્ટાફનો આભાર માનવા માંગુ છું. છેલ્લી કેટલીક શ્રેણીઓ અમારા માટે સારી રહી નથી, પરંતુ અમે જે રીતે વાપસી કરી તે પ્રશંસનીય છે."

પ્લેયર ઓફ ધ મેચ ક્રાંતિ ગૌડે મેચમાં સાત વિકેટ લીધી જેમાં પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટનો સમાવેશ થાય છે. તેણીએ કહ્યું કે લોર્ડ્સના ઓનર્સ બોર્ડ પર તેનું નામ કોતરવું એ તેના માટે એક સ્વપ્ન સાકાર થયું છે. મારા પરિવાર અને મને આ સિદ્ધિ પર ખૂબ ગર્વ છે.