Tue Jul 14 2026

Logo

ભારતીય મહિલાઓ ક્રિકેટ જગતની નવી ‘લૉર્ડ્સ': ચાર દિવસમાં ઇતિહાસ રચી નાખ્યો!

London   2026-07-13 21:51:05
Author: Ajay Motiwala
Article Image

યજમાન ઇંગ્લૅન્ડની ટીમને 270 રનથી કચડી નાખી

લંડન: હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં અને સ્મૃતિ મંધાનાની વાઈસ કેપ્ટન્સીમાં ભારતીય મહિલા (Women) ક્રિકેટરોએ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારત (India)ને અનેરું ગૌરવ અપાવતો નવો રચ્યો છે. મહિલાઓની આ ટીમ ઇન્ડિયા ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સના મેદાન પર મહિલાઓ માટેની સૌપ્રથમ ટેસ્ટ જીતનારી ટીમ બની છે. સોમવારે ભારતીય ટીમે યજમાન ઇંગ્લૅન્ડની ટીમને લૉર્ડ્સ (Lord's) પરની સૌપ્રથમ અને એકમાત્ર ટેસ્ટમાં 270 રનથી કચડીને દેશને અપ્રતિમ ગૌરવ અપાવ્યું છે.

પુરુષોની ટીમ હાર્યા પછી મહિલાઓએ આબરૂ પાછી અપાવી

ઇંગ્લૅન્ડની ધરતી પર જ્યાં શનિવારે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતના પુરુષોની ટીમની 0-4ના વાઈટવૉશથી નાલેશી થઈ હતી ત્યાં સોમવારે ભારતીય મહિલાઓએ ઐતિહાસિક વિજય મેળવી દેશને આબરૂ પાછી અપાવી છે. ભારતીય મહિલા ખેલાડીઓ લૉર્ડ્સના મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ જીતનાર ખેલાડી બની છે. 1884માં (142 વર્ષ પૂર્વે) આ જ મેદાન પર પુરુષોની સૌપ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો હતો.

સ્પિનર સ્નેહ રાણાની ચાર વિકેટ 

ચાર દિવસની આ ટેસ્ટમાં ભારતીય મહિલા ખેલાડીઓએ પહેલા દિવસથી જ નૅટ સિવર-બ્રન્ટના સુકાનમાં રમનાર યજમાન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. છેવટે તેમને 457 રનનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો અને તેમને અંતિમ દિવસે 62.5 ઓવરમાં ફક્ત 186 રનમાં ઑલઆઉટ કરીને શાનદાર વિજય મેળવી લીધો હતો. વિકેટકીપર ઍમી જોન્સના ફક્ત 54 રન ટીમમાં હાઈએસ્ટ હતા. ભારતીય સ્પિનર સ્નેહ રાણાએ ચાર વિકેટના તરખાટ સાથે આ દાવમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કર્યું હતું. સાયલી સતઘરે, ક્રાંતિ ગૌડ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

ક્રાંતિ ગૌડ પ્લેયર ઑફ ધ મૅચ

આખી મૅચમાં કુલ સાત વિકેટ (પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં બે) લેનાર પેસ બોલર ક્રાંતિ ગૌડને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. બે દિવસ પહેલાં ક્રાંતિ ગૌડ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ મહિલા ટેસ્ટ ખેલાડી બની એ બદલ આ સ્ટેડિયમના પ્રતિષ્ઠિત ‘લોર્ડ્સ ઓનર્સ બોર્ડ' પર તેનું નામ લખવામાં આવ્યું હતું. આ જ નામાંકિત મેદાન પર ભારતની ખેલાડી યસ્તિકા ભાટિયા ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે.

આ ઐતિહાસિક ટેસ્ટના ચારેય દાવમાં ટીમના સ્કોર આ મુજબ હતા : ભારત પ્રથમ દાવમાં 285 રન, ઇંગ્લૅન્ડ પ્રથમ દાવમાં 170 રન, ભારત બીજા દાવમાં 7/341ના સ્કોર પર દાવ ડિક્લેર્ડ અને ઇંગ્લૅન્ડ બીજા દાવમાં 186 રનમાં ઑલઆઉટ.

સચિન અને જય શાહે લૉર્ડસમાં ભારતીય મહિલાઓની જીત માણી

સોમવારે લૉર્ડ્સના ઐતિહાસિક સ્ટેડિયમમાં  મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને આઇસીસીના ચેરમૅન જય શાહ ઉપસ્થિત હતા અને તેમણે ભારતીય મહિલા ટીમની આ યાદગાર ટેસ્ટ જીત માણી હતી.