દોહાઃ કતારના પૂર્વ અમીર (શાસક) શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે. શેખ હમદ એ જ વિઝનરી (દૂરંદેશી) નેતા હતા, જેમણે પોતાના રાજદ્વારી અને આર્થિક નિર્ણયોથી કતારને દુનિયાનો સૌથી અમીર દેશ બનાવી દીધો. પરંતુ તેમની ઓળખ માત્ર સત્તા અને રાજકારણ પૂરતી સીમિત નહોતી. આંતરરાષ્ટ્રીય મીડિયા અને વેલ્થ રિપોર્ટ્સના આંકડા દર્શાવે છે કે તેમનું અંગત જીવન અને શાહી શોખ સામાન્ય માણસની કલ્પના બહારના હતા. આવો જાણીએ કતારના આ પૂર્વ શાસકની અઢળક સંપત્તિ અને લક્ઝરી લાઈફ વિશે...
બ્રિટનના મહારાણી કરતાં પણ વધુ સંપત્તિ
કતારના શાસકની અમીરાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની સરખામણી સીધી રીતે બ્રિટિશ રાજવી પરિવાર સાથે કરવામાં આવતી હતી. ફોર્બ્સના આંકડા અનુસાર, જ્યાં દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંગત સંપત્તિ આશરે 500 મિલિયન ડોલર (લગભગ 4,100 કરોડ રૂપિયા) આંકવામાં આવી હતી, ત્યાં શેખ હમદની અંગત સંપત્તિ 2 થી 2.5 બિલિયન ડોલર (આશરે 20 હજાર કરોડ રૂપિયા) ની વચ્ચે રહી છે.
આ ઉપરાંત બ્રિટિશ મીડિયા અહેવાલોએ ઘણી વખત એ વાતની પુષ્ટિ કરી છે કે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (જેનો પાયો શેખ હમદે નાખ્યો હતો) પાસે લંડનમાં એટલી બધી પ્રોપર્ટી (હેરોડ્સ, ધ શાર્ડ અને હિથ્રો એરપોર્ટમાં હિસ્સેદારી) છે, જેટલી ખુદ બ્રિટનના શાહી પરિવાર (ક્રાઉન સ્ટેટ) પાસે પણ નથી.
જો કે, અહીં મહત્વની વાત એ છે કે આ સરખામણી બંને શાસકોની અંગત સંપત્તિ વચ્ચે છે. બ્રિટિશ શાહી પરિવારની (બકિંગહામ પેલેસ, શાહી જમીનો અને ક્રાઉન સ્ટેટ) કુલ સંપત્તિ આશરે 28 અબજ ડોલરથી વધુ છે, પરંતુ તે રાજા કે રાણીની અંગત સંપત્તિ નથી હોતી, પરંતુ ટ્રસ્ટ હેઠળ હોય છે. મહારાણીની અંગત સંપત્તિ માત્ર 500 મિલિયન ડોલર હતી, જેને તેઓ પોતાની મરજીથી ખર્ચ કરી શકતા હતા અથવા તેની વસિયત કરી શકતા હતા. આનાથી વિપરીત, કતારના ભૂતપૂર્વ શાસક શેખ હમદ પાસે પોતાની અંગત અબજો ડોલરની સંપત્તિ ઉપરાંત કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પર પણ સીધું નિયંત્રણ હતું, જે સેંકડો અબજ ડોલરનું છે.
શાસનકાળ દરમિયાનની મહત્વની સિદ્ધિઓ
શેખ હમદે પોતાના શાસનકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય ન્યૂઝ બ્રોડકાસ્ટર 'અલ જઝીરા'નો પાયો નાખ્યો હતો. આ ચેનલ કતાર સરકાર દ્વારા નાણાકીય સહાય મેળવે છે (ફંડેડ છે). આ ઉપરાંત, તેમણે લંડનનો પ્રખ્યાત 'હેરોડ્સ' ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખરીદ્યો અને વિશ્વભરમાં કતારનો દબદબો સ્થાપિત કર્યો. તેમણે પેરિસ સેન્ટ-જર્મેન (PSG) ફૂટબોલ ક્લબમાં બહુમતી હિસ્સો મેળવ્યો અને કતાર એરવેઝને એક વૈશ્વિક એરલાઇન બનાવી.