Mon Jul 13 2026

Logo

ચાલુ ટ્રેનમાં પૂજા-પાઠ અને રુદ્રાભિષેક! વાયરલ વીડિયો પર હોબાળો થતાં રેલવેએ કરી સ્પષ્ટતા

2026-07-13 15:08:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા રેલવેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક લોકો ટ્રેનના એક ડબ્બામાં કોઈ પૂજા-અર્ચના કરી રહ્યાં હોવાનું હતાં. આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. વીડિયો સામે આવતા જ લોકો સવાલો ઉઠાવવા લાગ્યા કે શું હવે ચાલતી ટ્રેનમાં પણ આવા ધાર્મિક આયોજનો કરી શકાય? શું રેલવે પ્રશાસને આની મંજૂરી આપી હતી કે પછી આ નિયમોનું ઉલ્લંઘન છે?

સોશિયલ મીડિયા પર કેમ મચ્યો હોબાળો?

વાયરલ વીડિયોમાં એક પંડિતજી ટ્રેનની અંદર વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરાવતા નજરે પડે છે. કોચની અંદર ધાર્મિક અનુષ્ઠાનની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વીડિયો જાહેર થતાં જ લોકો બે પક્ષમાં વહેંચાઈ ગયા. કેટલાક લોકોએ તેને આસ્થા સાથે જોડીને યોગ્ય ગણાવ્યો, તો વળી અનેક લોકોએ ટ્રેનની અંદર આવા આયોજન કરવા બદલ સુરક્ષા અને નિયમો સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતાં. વિવાદ સતત વધતા આખરે રેલવેએ આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરી છે.

સામાન્ય કોચ નહીં, 3.08 લાખનો સ્પેશિયલ 'સેલૂન કોચ' હતો

રેલવેએ આ સમગ્ર વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, વીડિયોમાં દેખાતો ડબ્બો કોઈ સામાન્ય મુસાફરો માટેનો પેસેન્જર કોચ નહોતો, પરંતુ તે વ્યવસાયિક ધોરણે બુક કરાયેલો એક સ્પેશિયલ 'સેલૂન કોચ' (Saloon Coach) હતો. સંબંધિત પાર્ટીએ IRCTC મારફતે આ ખાસ કોચને 8 જુલાઈ 2026ના રોજ એડવાન્સમાં રૂપિયા 3,08,580 ચૂકવીને નિયમ પ્રમાણે બુક કરાવ્યો હતો. તમામ નિયમો અને ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ જ આ સેલૂન કોચ ફાળવવામાં આવ્યો હતો.

રેલવેએ કહ્યું - સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય

રેલવે ઓપરેશન્સની મંજૂરી મળ્યા બાદ, આ સેલૂન કોચને 10 જુલાઈ 2026ના રોજ નવી દિલ્હીથી બાંદ્રા ટર્મિનસ, મુંબઈ જતી ટ્રેન સંખ્યા 12926 પશ્ચિમ એક્સપ્રેસ સાથે જોડવામાં આવ્યો હતો. આ વન-વે મુસાફરી દરમિયાન જ કોચની અંદર આ પૂજા રાખવામાં આવી હતી. પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, મુસાફરોની સુરક્ષા, સમયપાલન અને સુવિધા એ તેમની સર્વોચ્ચ અગ્રતા છે. રેલવેએ સ્પષ્ટ કર્યું કે, આ ખાનગી બુકિંગ હોવા છતાં સુરક્ષાના તમામ માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાન સંપૂર્ણપણે પ્રાઈવેટ કોચની અંદર જ સીમિત હતું અને તેનાથી રેલવેના અન્ય કોઈ મુસાફરને કોઈ મુશ્કેલી કે નુકસાન પહોંચ્યું નથી.