Wed Jul 08 2026

Logo

સોના અને ચાંદીમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, હવે આટલી રહી ગઇ કિંમત?

2026-07-08 13:19:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: સોના અને ચાંદીના ભાવમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. MCX પર બંને ધાતુઓ ઘટાડા સાથે ખૂલી હતી. ઈરાન પર અમેરિકાના તાજેતરના હુમલાઓને કારણે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ સાથે જ અમેરિકી ડૉલર પણ મજબૂત થયો છે. આનાથી રોકાણકારોની મોંઘવારીને લઇને ચિંતા વધી ગઈ છે. રોકાણકારોને લાગી રહ્યું છે કે મોંઘવારી ઊંચા સ્તરે જળવાઈ રહી શકે છે. આના કારણે વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહેવાની આશંકા સેવાઈ રહી છે, જે વળતર ન આપનારી કિંમતી ધાતુઓનું આકર્ષણ ઘટાડી શકે છે.

એમસીએક્સ (MCX) પર સપ્ટેમ્બર 2026ની ડિલિવરી માટે ચાંદી વાયદો (ફ્યુચર્સ) શરૂઆતી વેપારમાં 1,932 રૂપિયા ઘટીને 2,28,925 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. આવી જ રીતે ઓગસ્ટ 2026ની ડિલિવરી માટે સોનું વાયદો 642 રૂપિયા ઘટીને 1,44,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. અગાઉના સત્રમાં બંનેમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. ચાંદી 2,30,857 રૂપિયા અને સોનું 1,45,392 રૂપિયા પર બંધ થયું હતું.

બુલિયન બજારમાં સોનું

બુલિયન બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બુલિયન બજારમાં 24 કેરેટ સોનું 770 રૂપિયાના ઘટાડા સાથે 1,44,490 રૂપિયા પર આવી ગયું છે. આવી જ રીતે, 22 કેરેટ સોનાની કિંમત 700 રૂપિયા ઘટીને 1,32,450 રૂપિયા થઈ ગઈ છે. 18 કેરેટ સોનું પણ 570 રૂપિયા ગગડીને 1,08,370 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે ચાંદી 2,45,000 રૂપિયા પર સ્થિર જોવા મળી છે.

ઇન્ટરનેશનલ પ્રાઇસ (આંતરરાષ્ટ્રીય ભાવ)

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) 0.1% ઘટીને 4,100.32 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. ઓગસ્ટ ડિલિવરી માટે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.1% ઘટીને 4,112.50 ડૉલર પર આવી ગયું છે. સ્પોટ સિલ્વર (હાજર ચાંદી) પણ 0.3% ઘટીને 59.82 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ, ડૉલર ઈન્ડેક્સ અને જીઓપોલિટિકલ તણાવ વચ્ચે આ સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ રહેવાની સંભાવના છે.