Sat Oct 10 2026

Logo

કચ્છના વાતાવરણમાં બેવડી ઋતુનો પ્રભાવ વધ્યો: બપોરે આકરો તાપ અને વહેલી સવારે ગુલાબી ઠંડી

2026-10-10 12:32:00
Author: Mumbai Samachar Team
કચ્છના વાતાવરણમાં બેવડી ઋતુનો પ્રભાવ વધ્યો: બપોરે આકરો તાપ અને વહેલી સવારે ગુલાબી ઠંડી

કંડલા ૩૮.૪ ડિગ્રી સાથે રાજ્યનું બીજું સૌથી ગરમ મથક, લઘુતમ પારો ૧૯.૫ ડિગ્રીએ પહોંચ્યો

ભુજ: આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ અશ્વિન નવરાત્રિ પર્વના પ્રારંભ પૂર્વે જ સરહદી કચ્છ જિલ્લાના હવામાનમાં વિષમતાનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધતો જોવા મળી રહ્યો છે. ઊંચકાતા મહત્તમ તાપમાન સામે લઘુતમ પારો નીચે ગગડવાના કારણે લોકોને દિવસે અસહ્ય ઉકળાટ અને આકરા તાપનો, જ્યારે વહેલી સવારે ગુલાબી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, અંજાર-ગાંધીધામ સંકુલમાં મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં સમગ્ર રાજ્યમાં રાજકોટ બાદ કંડલા એરપોર્ટ સેન્ટર બીજા નંબરનું સૌથી ગરમ મથક બન્યું હતું. તેની સામે રાત્રિના સમયે લઘુતમ પારો ગગડીને ૧૯.૫ ડિગ્રીએ પહોંચતાં સમગ્ર રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન પણ અહીં જ નોંધાયું હતું.

જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સામે લઘુતમ પારો ૨૩ ડિગ્રી નોંધાયો હતો, જ્યારે કંડલા પોર્ટમાં મહત્તમ ૩૫.૫ ડિગ્રી સામે લઘુતમ ૨૪ ડિગ્રી તેમજ નલિયામાં મહત્તમ ૩૩.૮ ડિગ્રી સામે લઘુતમ ૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, સમગ્ર જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે ૧૦થી લઈને ૧૯ ડિગ્રી જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત, વાતાવરણમાં ભેજના ઊંચા પ્રમાણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારના સમયે કચ્છના મોટાભાગના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ગાઢ ઝાકળવર્ષા થઈ રહી છે. દિવસ દરમિયાન આકરી ગરમી અને રાત્રિ-વહેલી સવારે શીતળતાના કારણે સર્જાયેલા બેવડી ઋતુના માહોલથી ઋતુજન્ય બીમારીઓ વકરે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે.

ઉત્સવ વૈદ્ય