Mon Jul 13 2026

Logo

ઉત્તર પ્રદેશમાં ગૌતમબુદ્ધ નગરની DM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ દોડતી થઈ

2026-07-13 13:01:00
Author: Vimal Prajapati
Article Image

નોઈડા: ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર સ્થિત જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યાલયને આજે બોમ્બથી ઉડાવી ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ડીએમ ઓફિસને એક અજ્ઞાત ઈ-મેઈલ દ્વારા પરિસરમાં બોમ્બ હોવાની ધમકી આપવામં આવી હતી જેના કારણે સત્વરે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સુરક્ષા એજન્સીઓને સક્રિય કરી દીધી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ઈ-મેઈલ આવતા જ પોલીસ તંત્ર હરકતમાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આજે ડીએમ ઓફિસના સત્તાવાર આઈડી પર બોમ્બની ધમકી આપતો એક ઈ-મેઈલ આવ્યો હતો. આ અંગેની માહિતી મળતાં જ સૂરજપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, એન્ટી-સબોટાજ ચેક ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવીને આખા સરકારી પરિસરમાં ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી

કલાકો સુધી ચાલેલી સઘન તપાસ અને સર્ચ ઓપરેશન બાદ પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી નહીં. પોલીસે જણાવ્યું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને ડીએમ ઓફિસ પરિસરમાં શાંતિનું વાતાવરણ છે. પોલીસ પ્રશાસને આ ધમકીભર્યા ઈ-મેઈલને અત્યંત ગંભીરતાથી લીધો છે. ઈ-મેઈલ મોકલનાર અસામાજિક તત્વની ઓળખ કરવા માટે સાયબર સેલની ટેકનિકલ ટીમ કામે લાગી ગઈ છે. આ ડિજિટલ ધમકી પાછળ કોનો હાથ છે તે જાણવા માટે ઈ-મેઈલ ક્યાંથી ઓરિજિનેટ થયો, તેનો IP એડ્રેસ શું છે અને અન્ય મહત્વના ડિજિટલ પુરાવાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. 

દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

વરિષ્ઠ અધિકારીઓના મતે, આ કેસમાં તમામ પાસાઓની તપાસ કરીને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગૌતમબુદ્ધ નગર પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે, આ મામલે સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમો પર ફેલાતી અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપે. સ્થિતિ પૂરેપૂરી નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. હાલ ડીએમ ઓફિસમાં તમામ સરકારી કામકાજ રાબેતા મુજબ ચાલુ છે અને કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાયેલી છે.