જામનગરઃ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં હિન્દુધર્મના લોકોને ફોસલાવીને ખ્રિસ્તી ધર્મ તરપ વાળવાના પ્રયાસો થતા હોવાનો આક્ષેપ હિન્દુ સેનાએ કર્યો હતો. મળતી વિગતો અનુસાર જામનગર નજીક ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં ચાલતી કથિત ધર્માંતરણ પ્રવૃત્તિનો હિન્દુ સેનાએ પર્દાફાશ કર્યો હતો. દર રવિવારે સેવા અને પ્રાર્થના સભાના બહાને ભોળા આદિવાસી શ્રમિકોને એકઠા કરી હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદોના આધારે હિન્દુ સેનાની ટીમે દરોડો પાડ્યો હતો.
હિન્દુ સેનાના કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં વાંધાજનક ધાર્મિક સાહિત્ય, પવિત્ર બાઇબલ, ધાર્મિક ભજનોની પુસ્તિકાઓ અને શંકાસ્પદ પ્રમાણપત્રોનો જથ્થો મળી આવ્યો હતો. હિન્દુ સેનાના પદાધિકારીઓએ આ પ્રવૃત્તિ ચલાવતા સંચાલકને આડે હાથ લઈ, ગ્રામ પંચાયતના સરપંચને પણ આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી. હિન્દુ સેનાએ ભોળા લોકોને લાલચ કે ગેરમાર્ગે દોરીને થતું ધર્માંતરણ કાયદા વિરુદ્ધ હોવાનું જણાવી સંચાલકને આ પ્રવૃત્તિ તાકીદે બંધ કરવા માટે અંતિમ ચેતવણી આપી કાયદાકીય પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યવાહી દરમિયાન હિન્દુ સેના-ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટ અને હિન્દુ સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ ગૌરવ મહેતા હાજર રહ્યા હતા.