શું તમે ક્યારેય એવા કોઈ રહેણાંક ઘરની કલ્પના કરી છે જે આકાશમાંથી જોતા એક વિશાળ 'ડૉનટ' જેવું લાગે? બહારથી કોઈ અભૈદ્ય કિલ્લા જેવું લાગતું આ ઘર કોઈ સામાન્ય ઈમારત નથી, પણ સેંકડો લોકોની એકતાનું પ્રતીક છે. ચીનના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા આ ગોળાકાર ઘરોને 'ફુજિયન તુલુ' (Fujian Tulou) તરીકે ઓળખવામાં આવે છે, જે આજે પણ વિશ્વભરના આર્કિટેક્ટ્સ અને પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરે છે. લોકો આ ઘરોને ડોનટ હાઉસ તરીકે પણ ઓળખે છે.
યુનેસ્કોના અહેવાલ મુજબ, આ વિશાળ ઈમારતોને ગોળાકાર બનાવવાની પાછળ એક સુરક્ષાત્મક કારણ હતું. પ્રાચીન કાળમાં ચીનમાં ડાકુઓ અને દુશ્મનોના હુમલાનો ભય રહેતો. આથી, હક્કા સમુદાયે આ ઘરોની દિવાલો માટીમાંથી અત્યંત જાડી બનાવી હતી. આખી ઈમારતમાં માત્ર એક જ મજબૂત પ્રવેશદ્વાર હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ બારીઓ રાખવામાં આવતી નહોતી. આ બનાવટને કારણે દુશ્મનો માટે અંદર પ્રવેશવું લગભગ અશક્ય હતું.
ચીનમાં જોવા મળતી આ ખાસ પ્રકારની ઈમારતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક વિશાળ સંયુક્ત પરિવારનું ઘર છે. મોટા તુલુમાં એકસાથે લગભગ 800 લોકો રહી શકે છે, જેમાં દાદા-દાદીથી લઈને બાળકો સુધીના તમામ સગા-સંબંધીઓ સામેલ હોય છે. ઈમારતની વચ્ચે એક વિશાળ ખુલ્લું આંગણું હોય છે, જ્યાં આખો સમુદાય તહેવારોની ઉજવણી કરે છે અને મહત્વની બેઠકો યોજે છે. દરેક પરિવારને ઉપરથી નીચે સુધીનો એક 'વર્ટિકલ' ભાગ રહેવા માટે આપવામાં આવે છે, જેથી દરેકને સમાન જગ્યા મળી રહે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ વિશાળ ઈમારતો બનાવવા માટે સિમેન્ટ, કોંક્રિટ કે લોખંડનો ઉપયોગ થયો નથી. તે સંપૂર્ણપણે ભીની માટી, મજબૂત લાકડાં, પથ્થરો અને વાંસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેની જાડી દીવાલો કુદરતી ઇન્સ્યુલેટરનું કામ કરે છે, જે શિયાળામાં ઘરને ગરમ અને ઉનાળામાં ઠંડું રાખે છે. આજે પણ એન્જિનિયરો તેને 'સસ્ટેનેબલ આર્કિટેક્ચર'નો શ્રેષ્ઠ નમૂનો માને છે.
ચીનમાં આવેલા આ ઘરોને એવી જગ્યાએ બનાવવામાં આવે છે જ્યાં પહાડો, નદીઓ અને ઉપજાઉ જમીન હોય. ચીનની પરંપરાગત ફેંગશૂઈની માન્યતા મુજબ, પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને બનાવેલા આ ઘરોમાં રહેવાથી સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા જળવાઈ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈમારતોની ઐતિહાસિક અને સામાજિક મહત્વતાને ધ્યાનમાં રાખીને વર્ષ 2008માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઈમારતો માત્ર ઈંટ-પથ્થરનું માળખું નથી, પરંતુ તે સુરક્ષા અને આપસમાં ભાઈચારાની એક જીવતી-જાગતી મિસાલ છે.