Sun Jul 12 2026

Logo

ભારત બન્યું રશિયાનું મદદગાર! જૂન મહિનામાં રશિયા પાસેથી કરી ક્રૂડની 34% વધુ ખરીદી, બીજા દેશોમાં નિકાસ પણ કરી

2026-07-12 14:20:24
Author: Mumbai Samachar Team
Article Image

ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ કરીને ભલે સમગ્ર વિશ્વમાં તેલને લઈને ચિંતા વધારી દીધી હોય, પરંતુ ભારતે રશિયા સાથે મળીને એક અલગ જ વ્યૂહરચના (સ્ટ્રેટેજી) અપનાવી છે. ભારતે જૂન 2026માં રશિયા પાસેથી કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની રેકોર્ડ ખરીદી કરી છે. મે મહિનાની સરખામણીએ જૂનમાં રશિયા પાસેથી ભારતની કાચા તેલની આયાતમાં 34%નો વધારો થયો છે. જો કે, રસપ્રદ વાત એ છે કે વધુ તેલ વેચવા છતાં રશિયાની તેલમાંથી થતી કમાણીમાં ઘટાડો થયો છે. આ માહિતી 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' (CREA) ના અહેવાલમાં સામે આવી છે.

અહેવાલ મુજબ, ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી અંદાજે 4.5 અબજ યુરોનું કાચું તેલ ખરીદ્યું હતું. જ્યારે રશિયા પાસેથી ભારતની કુલ અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ)ની આયાત 5.5 અબજ યુરોની રહી હતી. આમાં લગભગ 83% હિસ્સો માત્ર કાચા તેલનો જ હતો. આ ખરીદી સાથે ભારત, રશિયા પાસેથી તેલ અને અન્ય અશ્મિભૂત ઇંધણ ખરીદનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. આ યાદીમાં ચીન પ્રથમ ક્રમે છે. અહેવાલ અનુસાર, જૂનમાં ભારતની કુલ કાચા તેલની આયાતમાં પણ 5.4%નો વધારો થયો છે. દેશની અગ્રણી રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેલની ખરીદીમાં મોટો વધારો કર્યો છે.

આ કંપનીઓએ આયાત વધારી:

Reliance Industriesની જામનગર રિફાઇનરીમાં રશિયાથી આવતા ક્રૂડ ઓઇલનો પુરવઠો 150% વધી ગયો

Indian Oil Corporation (IOC)ની પારાદીપ રિફાઇનરીમાં આયાતમાં 126%નો વધારો થયો

BPCLની કોચ્ચિ રિફાઇનરીમાં આ વધારો 83% રહ્યો

Nayara Energyની વાડિનાર રિફાઇનરીમાં રશિયા પાસેથી તેલની ખરીદી 45% વધી

ભારતે અન્ય દેશોમાં પણ નિકાસ કરી

ભારતની વધેલી ખરીદીનો ફાયદો રશિયાને નિકાસની બાબતમાં ચોક્કસ મળ્યો છે. જૂન મહિનામાં રશિયાની કાચા તેલની નિકાસમાં 14%નો વધારો થયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ નીચા હોવાને કારણે તેની કમાણી 8% ઘટીને પ્રતિદિન 348 મિલિયન યુરો થઈ ગઈ. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત માત્ર રશિયા પાસેથી કાચું તેલ ખરીદી જ નથી રહ્યું, પરંતુ તેને રિફાઇન કરીને અન્ય ઘણા દેશોમાં નિકાસ (એક્સપોર્ટ) પણ કરી રહ્યું છે. ભારત, તુર્કી, બ્રુનેઈ અને જ્યોર્જિયાની રિફાઇનરીઓએ જૂન મહિનામાં રશિયાના કાચા તેલમાંથી બનેલી પેટ્રોલિયમ પેદાશોની નિકાસ એવા દેશોમાં પણ કરી છે, જેમણે રશિયા પર પ્રતિબંધો લાદેલા છે. આ દેશોમાં યુરોપિયન યુનિયન (EU), અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.