Tue Oct 06 2026

Logo

મોજની ખોજઃ શો-કેસમાં પડ્યા રહેશે બધા અવૉર્ડ ને ઘરના જ દાખલ કરશે એ-વોર્ડમાં!

2026-10-06 07:47:00
Author: Subhash Thakkar
મોજની ખોજઃ શો-કેસમાં પડ્યા રહેશે બધા અવૉર્ડ ને ઘરના જ દાખલ કરશે એ-વોર્ડમાં!

 

સુભાષ ઠાકર

`સુભાષ અંકલ, આવતી એશિયન ગેમ્સમાં મારે શૂટિગમાં ભાગ લેવો સ..ઈની પ્રેકટિશ માટે મારા બાપુની ભેત પર લટકતી બંદૂક જોઉં તો મને મન થાય ક હુયે ઘોડા પર તબડક તબડક કરતો શિકારે નેકળી પડુ.' ચંબુ બોલ્યો

`તો પછી નીકળતો કેમ નથી, કોણ રોકે છે? નીકળવું જોઈએને?' મેં કીધું.
`પણ પસી મારા બાપુજીનો પેલો ભાંગલો-તૂટલો પગ જોઉ સુ એટલે મન પાછુ પડ સ.'
`ચંબુ, એમ મનને પાછું ન પડાય. હિંમત રાખવી પડે. મન પાછું પડે તો મેડલ પણ પાછો જાય. સમજ્યો? યુ નો
આ વખતે તો ભારતના ખેલાડીઓએ કેટલા મેડલ મેળવીને ઈતિહાસ સર્જ્યો.'

`અરે, ઈમ તો હું પણ ધારું તો ઇતિહાસની હાથે હાથે ભૂગોળ ને વિજ્ઞાન સરજુ.'
`તો કેમ સર્જતો નથી?'
`કારણકે હું ધારતો જ નથી. અરે, જે ઘરમાં સગા બાપા જ સહકાર ન આપે તો બીજા તો શું આપે.'
`શું થયું?'

`થાય શું?. બન્યું એવું કે શૂટિગમાં ધારેલું નિશાન સર કરવા ઘરની ભેત પર લટકતી બંદૂક હજી તો હાથમાં જ લીધી ને એક આંખ બંધ કરી જેવી બાપાની આંખ સામે મેં ધરી તો બાપા તુર્તજ થરથર ધ્રૂજવા લાગ્યા. બાપા, ધ્રૂજો નઈ, સહકાર આપો. આ તો પ્રેકટિશ સ. જો ડર ગયા, સમઝો મર ગયા.' મારામાં ગબ્બરે પ્રવેશ કર્યો.

`અરે ડર ગયા વો મર ગયાવાળી. ચંબુડા, તું બંદૂક નીચે મૂકી દે.' બાપુના ડોળા ફરતા ભમરડાની જેમ ચકરાવા લાગ્યા. આખલાની જેમ તેમના નાકના ભૂંગળા પણ ફૂલવા લાગ્યા.
`અરે પણ બાપુ મારો તારગેટ છે કે આવતી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ...' હજી બંદૂકના ઘોડા પર જ ચંબુની આંગળી હતી.
`અરે ટોપા તારગેટ હોય, ચર્ચગેટ હોય, કે કોલગેટ હોય...'

બાપુનો અવાજ સરરર કરતો કાગળ ફાટતો હોય એવો થઈ ગયો. 
`અરે તું સૌથી પહેલાં બંદૂક પરથી આંગળી ઉઠાવી લે. સાલુ ભૂલથી ઘોડો દબાઈ ગયો ને સનનન કરતી ગોળી મારી આંખમાં ગઈ તો ટુથપેસ્ટની પેસ્ટની જેમ લબુક કરતો અંદરનો મસાલો બહાર આવી જાય ને હું આંખ વગરનો...'
`સગા દીકરા માટે એક આંખનું બલિદાન ન આપી શકો? એક આંખ ભલે જાય પણ એક બચી એ વિચારો, જે ગયું એના કરતા જે બચ્યું એ વિચારો... થીંક પોઝિટિવ.'

`એ પોઝિટિવની સગલી. મારા લમણામાં જો ગોળી વાગી ને મારું એન્કાઉન્ટર થઇ જાય તો તારો બાપ પડે નીચે ને જાય ઉપર, સમજ્યો? હે મેરે લાલ, બંદૂક નીચે મૂકી દે, નઈતર કાલથી બંદૂકની જગ્યાએ તારા બાપુનો હારવાળો ફોટો લટકતો હશે.' બાપુ રડવા જેવા થઈ ગયા.

`અરે ફોટો લટકે તો લટકે. તમારે ક્યાં જોવો છે' ચંબુ બંદૂક મુકતા બોલ્યો :
`બાપા જેવા બાપા થઈને પોતાના દીકરાને પ્રોત્સાહન-સહકાર ન આપે તો આવા બાપા હોય તોયે શું ને ન હોય તોયે શું?. પાછા મને કહે `એક કામ કર ચંબુ, તું કુસ્તીમાં ભાગ લે. શૂટિગમાં તો ક્યારેક નળી આપણી બાજુ આવી જાય તો કારણ વગર ફરજિયાત ગુજરી જવું પડે, સમજ્યો?'

`બરાબર બાપુ, પણ મારું શરીર તો જુઓ, આ બોલપેન જેવી બોડીથી હું શું કુસ્તી લડવાનો.'
`જો બેટા' બાપુ બોલેલા `આ દેશ હવે કૃષિપ્રધાન નથી પણ કુસ્તીપ્રધાન છે. ઘરથી માંડી સંસદ સુધી બધા કુસ્તી જ લડે છે.'
`પણ બાપુ' તમને તો ખબર છે કે મી એકવાર ટી.વી.માં કુસ્તી જોયેલી તોય મારી છાતીમાં બે દિવસ દુખેલું એ યાદ સ? એ પસી તો હું જયારે જયારે ટી.વી. સામે કુસ્તી જોવા બેસતો ત્યારે ત્યારે આખા શરીરે હળદર-મીઠાના મીશ્રણવાળી પેસ્ટ ચોપડીને બેસતો. સાલું, ટીવીમાંથી કોઈ બહાર નીકળી આપણને ઠોકી દે તો...પ્લીઝ બાપુ, મને કુસ્તી માટે મજબૂર ન કરો.'

`અરે મજબૂર નઈ મજબૂત થા, જો ડર ગયા સમજો મર ગયા.' બાપુ બોલ્યા.
`બા..પ..રે, બાપુએ તો મારાજ શબ્દોનું તીર બુમરિગની જેમ છોડ્યું.'
`અંકલ, હિંમત કરીને સોસાયટીની હરીફાઈમાં ભાગ લીધો ને અવૉર્ડ પણ મેળવી લીધો, કારણકે આ બોલપેનની
સામેવાલો હરીફ આખો થર્મોમીટર જેવો નીકળ્યો.'

`વેરી ગુડ ચંબુ, બટ યુ નો? આ ધન, પદ, પ્રતિષ્ઠા ને અવૉર્ડ હોય પણ એ મેળવવા કેટલા કાવાદાવા કરવા પડે છે. ને અવૉર્ડ એટલે શું? અવૉર્ડ એટલે બીજાને પાડી દીધા, પછાડી દીધા, હરાવી દિધા ને બધાથી આગળ નીકળી ગયો. બીજા નબળા ને હું સબળો એનું પ્રૂફ. જે આપણાથી આગળ નીકળીને પહેલે નંબરે પહોંચે ને આપણો બીજો નંબર આવ્યો તો ખલાસ... આ સ્પર્ધા છે. ને સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળુ નામ છે. બીજો નંબર મળ્યો એના આનંદ કરતા પહેલાં નંબરની અદેખાઈ આવવાની.

અરે સાહેબ, ખાઈમાં પડેલો તો ક્યારેક બચે પણ અદેખાઈમાં પડેલો ...રામ રામ કરો, આ ફાસ્ટ લાઇફમાં કોઈને લાસ્ટ રહેવું જ નથી, બધામાં હું આગળ છું એ બતાવવા હેલ્થના ભોગે કેટકેટલી વેલ્થ ભેગી કરીએ છીએ. પછી એ જ વેલ્થના ભોગે પાછી હેલ્થ મેળવવા મરણીયા પ્રયત્નો કરીએ છીએ. અંતે બચે શું ને મળે શું? શકોરું. ખોટું ન લાગે તો સાચું કહું?. ઘરના શોકેસમાં પડેલા અવૉર્ડ એમને એમ પડ્યા રહેશે ને એક દિવસ ઘરના લોકો કોઈ હૉસ્પિટલમાં એ-વોર્ડમાં દાખલ કરશે ને ઈશ્વર ત્યાંથી જ તમને ...સમજી ગયાને? શું કહો છો?