Tue Oct 06 2026

Logo

ફાયનાન્સ ફંડાઃ ગાયબ થઈ ગયેલું બોનસ: વધારાના પૈસા માટે પણ પ્લાનિંગ કેમ જરૂરી છે?

Delhi   2026-10-06 08:40:00
Author: Mitali Mehta
ફાયનાન્સ ફંડાઃ ગાયબ થઈ ગયેલું બોનસ: વધારાના પૈસા માટે પણ પ્લાનિંગ કેમ જરૂરી છે?

 

મિતાલી મહેતા

સોમવારે સવારે નિખિલને એ મેસેજ મળ્યો, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો.
Annual Bonus Credited :< 75,000 

આ રકમ તેને પોતાના નિયમિત પગાર કરતાં કંઈક અલગ લાગી. પગાર સાથે તો પહેલેથી જ ઘણી જવાબદારીઓ જોડાયેલી હતી ઘરનું ભાડું, ઘરખર્ચ, EMI, રોકાણ અને બીજાં બિલ્સ. જ્યારે બોનસ? એ તો વધારાના પૈસા લાગ્યા. નિખિલ ઘણા મહિનાથી પોતાનો ફોન બદલવાનું વિચારી રહ્યો હતો. તે અને તેની પત્ની એક નાની રજા પર જવાની વાત પણ ઘણા સમયથી કરતા હતા. હવે બોનસ આવી ગયું હતું એટલે આ બંને ખર્ચ કરવાનું જાણે વધુ સરળ લાગવા માંડ્યું. અને આમ પણ આમાંથી કોઈ ખર્ચ બિનજરૂરી લાગતો નહોતો.

ફોન માટે રૂ 30,000.
રજા માટે લગભગ રૂ 25,000.
હજી પણ રૂ 20,000 બચતા હતા.

પછી થોડી શોપિંગ થઈ. બે-ત્રણ વખત સારી જગ્યાએ ડિનર થયું. વચ્ચે બીજા કેટલાક નાના-મોટા ખર્ચ પણ થતા ગયા. થોડાં અઠવાડિયાં પછી નિખિલની નજર પોતાના બૅન્ક બૅલેન્સ પર પડી. રૂ 75,000 લગભગ પૂરા થઈ ગયા હતા!

તેણે કોઈ એક બહુ મોટો કે બિનજરૂરી ખર્ચ કર્યો નહોતો. એવો એક પણ ખર્ચ નહોતો, જેના તરફ આંગળી ચીંધીને તે કહી શકે કે આ મારી ભૂલ હતી. પૈસા બસ ધીમે-ધીમે ખર્ચાઈ ગયા હતા એક પછી એક વાજબી લાગતા ખર્ચ પાછળ.

ભૂલ ક્યાં થાય છે? વધારાની આવકને `વધારાના પૈસા' માનવામાં.
આપણી નિયમિત માસિક આવક સિવાય અચાનક કોઈ રકમ મળે ત્યારે આપણા વર્તનમાં એક રસપ્રદ ફેરફાર જોવા મળે છે. બોનસ, ઇન્સેન્ટિવ, એરિયર્સ, ટૅક્સ રિફંડ, ભેટ કે અન્ય કોઈ અણધારી આવકને આપણે ઘણીવાર આપણા નિયમિત નાણાકીય આયોજનનો ભાગ માનતા જ નથી. આ રકમ પર આપણા રોજિંદા ખર્ચ આધારિત નથી હોતા, એટલે આપણું મન તેને ખર્ચવાની જાણે થોડી વધુ છૂટ આપી દે છે.

આવું કેમ થાય છે? `મેન્ટલ એકાઉન્ટિંગ'નો ખેલ
બિહેવિયરલ ઇકોનોમિક્સમાં આ વલણને `મેન્ટલ એકાઉન્ટિંગ' દ્વારા સમજાવવામાં આવે છે એટલે કે આપણે મનમાં જ પૈસાને અલગ-અલગ ખાનામાં વહેંચી દઈએ છીએ અને એ પૈસા ક્યાંથી આવ્યા છે તેના આધારે તેની સાથે અલગ રીતે વર્તીએ છીએ.
આપણી નિયમિત આવકમાંથી મળેલા રૂ 20,000નો ઉપયોગ કદાચ આપણે સમજી-વિચારીને કરીએ, પણ એ જ રૂ 20,000 અચાનક બોનસ તરીકે મળે તો તેને ખર્ચવાનું ઘણું સરળ લાગી શકે.

જોકે નાણાકીય દૃષ્ટિએ જોઈએ તો રૂ 20,000 એટલે રૂ 20000 જ રહે છે પછી તે પગારથી મળ્યા હોય કે બોનસથી.
છૂપી કિમત: પૈસા સાથે એક તક પણ જતી રહે છે
બોનસનો આનંદ માણવો એ કોઈ નાણાકીય ભૂલ નથી. પૈસા માત્ર બેંક ખાતામાં જમા કરવા માટે નથી; તેનો હેતુ આપણા જીવનને વધુ સારું બનાવવાનો પણ છે, પરંતુ એકસાથે મળેલી આવી રકમ ઇમર્જન્સી ફંડને મજબૂત કરવા, દેવું ચૂકવવા, રોકાણ વધારવા કે કોઈ મહત્ત્વના નાણાકીય લક્ષ્ય માટે પણ ઉપયોગી બની શકે છે.

જ્યારે આખી રકમ કોઈ આયોજન વિના ખર્ચાઈ જાય છે ત્યારે માત્ર પૈસા જ નથી જતા. એ પૈસા સાથે જોડાયેલી એક તક પણ જતી રહે છે.
મુખ્ય શીખ: પૈસા આવે તે પહેલાં જ નક્કી કરો.
અનિયમિત રીતે મળતી આવકને સંભાળવાની એક સરળ રીત છે તેને ખર્ચવાનું શરૂ કરો એ પહેલાં જ નક્કી કરો કે આ પૈસાનો ઉપયોગ ક્યાં કરવાનો છે.

તે માટે કોઈ એક નક્કી ફૉર્મ્યુલા નથી. તમે રકમનો એક ભાગ રોકાણ માટે રાખી શકો, બીજો ભાગ કોઈ મહત્ત્વની નાણાકીય જરૂરિયાત માટે ફાળવી શકો અને થોડો ભાગ માત્ર તમારી ઇચ્છા કે આનંદ માટે પણ રાખી શકો.
આ રીતે તમારે પૈસાનો આનંદ માણવો કે નાણાકીય રીતે જવાબદાર રહેવું  એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની જરૂર નથી. તમે બંને કરી શકો છો.

નિષ્કર્ષ
બોનસ મળવાનો આનંદ થવો જ જોઈએ. આખરે તમે એ કમાયા છો અને તેનો થોડો ભાગ તમારી કોઈ ઇચ્છા પૂરી કરવા માટે વાપરવામાં કંઈ ખોટું નથી, પરંતુ વધારાની આવક માત્ર થોડા સમય માટે તમારી લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા કરતાં ઘણું વધારે કરી શકે છે. સમજી-વિચારીને તેનો ઉપયોગ કરવામાં આવે તો એ જ રકમ તમને તમારા કોઈ મહત્ત્વના લક્ષ્યની એક ડગલું વધુ નજીક લઈ જઈ શકે છે. કારણ કે સવાલ માત્ર એટલો નથી કે, આ પૈસાથી હું શું ખરીદી શકું? સવાલ એ પણ છે કે આ પૈસા મારા માટે શું કરી શકે?