વરુણ સિંહ
મુંબઈના પરા કાંદિવલીમાં રીસેલ ઘર ખરીદનો આ કિસ્સો બધાને મદદરૂપ થશે.
જિજ્ઞેશ ખિરાઈયા અને તેમનાં માતા કુસુમબહેન તો માત્ર એ 50,000 રૂપિયા પાછા મેળવવા માગતાં હતાં, જે કાંદિવલી વેસ્ટની એક સોસાયટીએ તેમના ફ્લેટના માલિકી હક બદલાયા પછી પોતાની પાસે રાખી લીધા હતા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ, મુંબઈની કો-ઓપરેટિવ કોર્ટ નંબર ત્રણે, તેમને તે રકમ પાછી અપાવી.
આ ચુકાદા દ્વારા, ન્યાયાધીશ વી. આર. કુલકર્ણીએ એવા દરેક વ્યક્તિને એક ઉપયોગી ઉકેલ પણ આપ્યો છે, જે રીસેલ ફ્લેટ ખરીદી રહ્યા હોય અને તેમને છેલ્લી ઘડીએ કહેવામાં આવે કે વધારાની રકમ ચૂકવ્યા વિના સભ્યપદનું ટ્રાન્સફર નહીં થશે.
વર્ષોથી આ પ્રકારની પદ્ધતિ જોઈ છે. સોસાયટી પહેલાં ટ્રાન્સફર પ્રીમિયમ વસૂલે છે. ત્યારબાદ અન્ય માગણીઓ આવે છે, જેમ કે પાર્કિંગ ડિપોઝિટ, ડોનેશન, વેલ્ફેર ફંડ કે સમારકામ માટેનું યોગદાન! માત્ર નામ બદલાય છે. આ પૈસા એટલા માટે માગવામાં આવે છે, કારણ કે તમે નવા સભ્ય તરીકે આવી રહ્યા છો અને કોઈ અન્ય વ્યક્તિ જઈ રહી છે.
આ કિસ્સામાં સભ્યોએ ટ્રાન્સફર પ્રીમિયમ તરીકે પહેલેથી જ 25,000 રૂપિયા ચૂકવી દીધા હતા. તે ઉપરાંત, જૂન 2017માં સોસાયટીએ 2012ના સામાન્ય સભાના ઠરાવ હેઠળ નોન-રિફંડેબલ કાર પાર્કિંગ ડિપોઝિટ તરીકે 75,000 રૂપિયા વસૂલ્યા હતા. બાદમાં તેમણે 25,000 રૂપિયા પાછા આપ્યા અને 50,000 રૂપિયા પોતાની પાસે રાખી લીધા. કોર્ટે પોતાની પાસે રાખેલી આ રકમને નવી સુવિધા માટેનો વાજબી ચાર્જ નહીં, પરંતુ વધારાની ટ્રાન્સફર વસૂલાત ગણી હતી.
આ તારણ મહત્ત્વનું છે, કારણ કે કાયદામાં આ વિશે સ્પષ્ટ મર્યાદા નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960ની કલમ 79-એ હેઠળ, રાજ્ય સરકાર નીતિવિષયક બાબતો પર બંધનકર્તા નિર્દેશો જારી કરી શકે છે. આ કલમ હેઠળ 9 ઓગસ્ટ, 2001ના રોજ જારી કરાયેલા પરિપત્રમાં મુંબઈ સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં ટ્રાન્સફર પ્રીમિયમની મર્યાદા 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ જ કાયદાની કલમ 72 સામાન્ય સભાની સત્તાને કાયદા, નિયમો અને તે નિર્દેશોને આધીન રાખે છે. કાયદા દ્વારા ન આપવામાં આવી હોય તેવી કોઈ સત્તા માત્ર ઠરાવ દ્વારા ઊભી કરી શકાતી નથી. બોમ્બે હાઈકોર્ટે પણ સોસાયટીઓએ વધારાની વસૂલાતને ડોનેશન અથવા વેલફેર ફી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આવું જ કહ્યું હતું. અહીં કોર્ટે પાર્કિંગ ટેગ પર આ સિદ્ધાંત લાગુ કર્યો હતો.
જોકે અહીં ખાસ વાતે નોંધવી રહી કે આ આદેશમાં એવું નથી કહેવામાં આવ્યું કે સોસાયટી પાર્કિંગ ચાર્જ નક્કી કરી શકતી નથી.તે જાળવણી, સિંકિગ ફંડ અથવા વાસ્તવિક, મૂલ્યાંકન કરેલ સમારકામ યોગદાન પર પ્રતિબંધ મૂકતો નથી. કાયદેસર પાર્કિંગ ફી પર કોઈ પ્રતિબંધ નથી. કોર્ટે જે નામંજૂર કરી, તે નિર્ધારિત પ્રીમિયમ ઉપરાંત, કોઈ અલગ સેવા અથવા પુરવાર થયેલા હિસાબ વિના, ટ્રાન્સફર સમયે લેવામાં આવેલી વધારાની એકમ રકમ છે.
સોસાયટીનો દાવો કે સમારકામ માટે લગભગ નવ લાખ રૂપિયા પાર્કિંગ કલેક્શનમાંથી ચૂકવવામાં આવ્યા હતા. આ દાવેો નિષ્ફળ ગયો, કારણ કે તે માટે કોઈ બિલ અથવા વાઉચરનો આધાર મળ્યો નહોતો. યોગ્ય સત્તા વિના, પહેલથી પૈસા લઈને તેને પાછળથી ખર્ચવાથી તે કાયદેસર બની જતું નથી.
રીસેલ બાયર માટે વ્યવહારુ સરળ વાત એ છે કે તે લેખિતમાં બ્રેકઅપ માગે. જો રસીદ પર પહેલાંથી જ રૂ. 25,000 ટ્રાન્સફર પ્રીમિયમ તરીકે હોય, તો તમારા પ્રવેશ સાથે સંકળાયેલી પ્રત્યેક વધુ એક વખતની માગને શંકાસ્પદ ગણાવી જોઈએ. વહેલાસર વાંધો ઉઠાવો. ચેક, રસીદ અને નોટિસ સંભાળીને રાખો. આવા વિવાદ માટે મર્યાદા છ વર્ષ છે. બિલમાં એરિયર્સ બતાવ્યું હોવાથી વ્યાજ 21 ટકા સુધી નહીં પહોંચે. આ કિસ્સામાં કોર્ટે 30 જાન્યુઆરી 2022ની લેખિત માગથી છ ટકા સાદા વ્યાજ વત્તા ખર્ચની મંજૂરી આપી હતી.
જિજ્ઞેશ અને કુસુમબહેને 50,000 રૂપિયાના ઓર્ડર માટે ચાર વર્ષ રાહ જોઈ. સાધારણ રકમ માટે આ લાંબી લડાઈ છે. જોકે, ચુકાદાનું મૂલ્ય માત્ર આંકડો નથી. તે યાદ અપાવે છે કે મેનેજિંગ કમિટી, સભ્યપદના દ્વારનો ઉપયોગ બીજા કેશ કાઉન્ટર તરીકે કરી શકતી નથી. જો તમે રીસેલમાં ઘર ખરીદી કરી રહ્યા છો અને સોસાયટી ટ્રાન્સફર માટે કાયદા દ્વારા આપવામાં આવેલી મંજૂરી કરતાં વધુ નાણાં વસૂલ કરવા ઇચ્છે છે ત્યારે આ કાંદિવલીનો કેસ તમારા માટે માર્ગદર્શક બની શકે છે.
આગામી કોલમ પ્રગટ થાય એ દરમિયાન તમને મૂંઝવતા સવાલ અને અનુભવ
`મુંબઈ સમાચાર'ને લખી શકો છો. feedback@bombaysamachar.com