Mon Jul 13 2026

Logo

ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો હવામાન ખાતાનું પૂર્વાનુમાન

2026-07-13 14:24:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન ખાતા પ્રમાણે, 19 જુલાઈ સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી. વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે.
 
હવામાન ખાતા મુજબ, જુલાઈ સુધી વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે.

15 જુલાઈએ, ઉપરોક્ત સ્થળો ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદ વિસ્તરી શકે છે.  16 થી 18 જુલાઈ દરમિયાન વધુ વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી અને જામનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં વાવાઝોડા કે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.  

પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું શાંત થતાં જ અરેબિયન સી અને મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ ફેઝમાં આવશે. જેના કારણે 15 થી 20 જુલાઈના સમયગાળામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત (સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ) માં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી લઈ મધ્યમ વરસાદની શરૂઆત થશે. જો કે આ વરસાદ સાર્વત્રિક કે ખૂબ શક્તિશાળી નહીં હોય.

22 થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. આ સિસ્ટમના કારણે 25 જુલાઈથી 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો બીજા રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વંચિત વિસ્તારોને સારો લાભ મળશે તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.