અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ જાણે દાણચોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય એવું ચિત્ર વારંવાર સાબિત થાય છે. ક્યારેક ગેરકાયદેસર સોનાના મુદ્દે તો ક્યારેક ડ્રગ્સના મુદ્દે. હવે વિયેતનામથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવેલા એક પ્રવાસી પાસેથી ગાંજો પકડાયો છે. જેની માર્કેટમાં કિંમત 5 કરોડ રૂપિયા જેટલી થાય છે. સોનું અને ડ્રગ્સ સિટીમાં ઘુસાડવા માટે પેંતરાબાજો અનેક એવા પ્રયોગ કરતા હોય છે. ક્યારેય તો શરીરના પ્રાયવેટ પાર્ટમાં પણ છુપાવીને સોનું લાવતા હોય છે. ગાંજાના આ કેસમાં પ્રવાસી કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના પેકેટમાં ગાંજો લાવ્યો હતો. 5.5 કિલો હાઈડ્રોપોનિક ગાંજો અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચ્યો હતો.
અગાઉથી મળ્યા હતા ઈનપુટ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નશીલા પદાર્થોની હેરફેરના કેસમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. આ માટે સ્મલર્સ અનેક પ્રકારના પેંતરા અજમાવતા હોય છે. કસ્ટમ વિભાગની બાજ નજરથી બચવા માટે અનેક એવા ખેલ કરવામાં આવે છે. સતત અને સખત એલર્ટ કસ્ટમ વિભાગ આવા દરેક ખેલમાં પોતે બાજી મારી જાય છે. હોચી મિન્હ સિટી નામના પ્રવાસી પાસેથી 5.5 કિલો ગાંજો પકડાયો છે.
આને પકડવામાં કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. આ અંગેના ચોક્કસ ઈનપુટ કસ્ટમ વિભાગને મળ્યા હતા. અમદાવાદ કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટના એક અધિકારીને ચોક્કસ ઈનપુટ મળ્યા હતા કે, વિયેતનામથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતા પ્રવાસી અંગે અગાઉથી વિગત મળી હતી. પ્રવાસીની પ્રોફાઈલના આધારે ફ્લાઈટ નંબર VJ-1805 મારફતે વિયેતનામથી અમદાવાદ આવતા મુંબઈના એક પ્રવાસીની આશંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી.
24 નાના પેકેડ જપ્ત કરાયા
કસ્ટમ વિભાગના અધિકારીને આશંકા જતા એની તપાસ કરવામાં આવી હતી. પેસેન્જર પોતાની હેન્ડબેગમાં બિન્દાસ્ત રીતે ગાંજો લઈને ફરી રહ્યો હતો. કસ્ટમ અધિકારીને કોઈ પ્રકારની આશંકા ન જાય એ માટે કૂકીઝના ત્રણ બોક્સ અને કોર્નફ્લેક્સના સીલબંધ પેકેટમાં ગાંજો છુપાવી રાખવામાં આવ્યો હતો. આ એક પ્રકારની ચાલાકી પ્રવાસીએ વર્તી હતી. આ પેકેજને જોવામાં આવે તો તે સામાન્ય નાસ્તાના પેકેટ સમાન દેખાય છે. જ્યારે એની હેન્ડબેગનું સ્કેનિંગ કરવામાં આવ્યું એ સમયે સ્કેનરમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી.
પ્રવાસીની બેગ ખાલી કરાવતા કૂકીઝ અને કોર્ન ફ્લેક્સનું પેકેટ મળ્યું હતું. એલ્યુમિનિયમ ફોઈલમાં વ્યવસ્થિત રીતે પેક કરેલા 24 નાના પેકેટ મળી આવ્યા હતા. જેને અંદરથી ખોલીને જોતા ગંધ ફેલવાતો ગાંજો મળ્યો હતો. એરપોર્ટ પર NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને જ્યારે તપાસ કરવામાં આવી એ સમયે તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ એક કેમિકલ ટેસ્ટ હોય છે જેમાં પદાર્થ નશીલો છે કે નહીં એની સ્પષ્ટ જાણકારી મળી છે. કસ્ટમ વિભાગની ટીમે જ્યારે આ 24 પેકેટનો વજન કર્યો એ સમયે તે 5.5 કિલોનું થયું.

ડ્રગ સિન્ડિકેટમાં ગુજરાતનું કોણ?
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ, 1985 (NDPS Act) અંતર્ગત કસ્ટમ વિભાગે પ્રવાસી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સ્ટોક કોને ડિલિવર કરવાનો હતો અને કોને ત્યાંથી લાવવામાં આવ્યો હતો એ અંગે હવે પૂછપરછ થશે. વિયેતનામથી કોણે આ સ્ટોક મોકલ્યો અને આ નેટવર્કમાં બીજા કેટલા લોકો છે એનું નેટવર્ક પણ આ પ્રવાસી દ્વારા ખૂલી શકે છે.અમદાવાદમાં આ સ્ટોક આપવાનો હતો કે અમદાવાદથી બીજા કોઈને ડિલેવરી આપવાની હતી. અમદાવાદમાં તે બીજા કેટલા લોકલ લોકોના સંપર્કમાં છે એની પણ તપાસ થઈ શકે છે.
આ ડ્રગ સિન્ડ઼િકેટમાં ભારતમાંથી અને ગુજરાતમાંથી બીજા કેટલા માફિયા જોડાયેલા એ અંગે પણ મોટી કડી ખૂલી શકે એમ છે. આ દિશામાં હવે કસ્ટમ અને બીજી એજન્સી પૂછપરછ કરી શકે એમ છે. આવું પહેલીવાર થયું નથી, આ પહેલા પણ અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર રીતે સોનું અને બીજા કેટલાક નશીલા પદાર્થો પકાડાયા છે.