Mon Oct 05 2026

Logo

મહેસાણા પાસેના સૂરજ ગામે એકસાથે 3 યુવકોના ડૂબી જવાથી મોત, મેળાની મોજ માતમમાં ફેરવાઈ

2026-09-05 20:20:14
Author: Mumbai Samachar Team
મહેસાણા પાસેના સૂરજ ગામે એકસાથે 3 યુવકોના ડૂબી જવાથી મોત, મેળાની મોજ માતમમાં ફેરવાઈ

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક સૂરજ ગામે જન્માષ્ટમીનો મેળો માતમમાં ફેરવાઈ ગયો હતો. ગામના તળાવમાં ન્હાવા માટે પડેલા ત્રણ યુવાનોના મોત થતા ગામ આખું હિબકે ચડ્યું હતું. ત્રણેય યુવાનો તળાવના પાણીમાં ડૂબી જતા આનંદનો અવસર અવસાનમાં ફેરવાઈ ગયો હતો. સૂરજ ગામે તથા આ યુવાનોના પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. મહેસાણાના કડી તાલુકા પાસે આવેલા સૂરજ ગામે રહેતા અશિવન ઠાકોર પોતાના મિત્રો સાથે મેળાની મોજ કરવા માટે ગયો હતો. 

ઘટનાસ્થળે જ મોત

અશ્વિનને તેના મિત્રો એ જ મેળાનો આનંદ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. અશ્વિન અને તેના મિત્રોને ક્યાં ખબર હતી કે, આ આમંત્રણ અંતિમ આમંત્રણ બની જશે. અશ્વિનના બે મિત્રો નરેશ રાઠોડ અને શિવકુમાર શર્માનું પણ આ ઘટનામાં મૃત્યું નીપજ્યું હતું. નરેશ અને શિવકુમાર સૂરજમાં જ રહેતા હતા જ્યારે અશ્વિન મેળો માણવા માટે આવ્યો હતો. ગામમાં ભરાયેલા મેળાની મજા માણી હતી અને મેળો પૂરો થયા બાદ સાંજના સમયે ત્રણેય ગામ પાસે આવેલા એક તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો કોઈ પ્રકારનો અંદાન ન હોવાથી તેઓ એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચે પોલીસ અને ફાયરની ટીમને કોલ કરી દીધો હતો. ટીમ આવે એ પહેલા ઘણું મોડું થઈ ગયું હતું અને ત્રણેયનું પ્રાણ પંખીરૂ ઉડી ગયું હતું. કડી પોલીસની ટીમ અને મહેસાણા ફાયર વિભાગની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પણ ત્રણમાંથી એકપણને બચાવી શકાયા નહીં. ફાયરની ટીમે મૃતદેહ શોધવા માટે લાંબા સમય સુધી પાણીમાં સર્ચ કર્યું હતું. પછી એક પછી એક ત્રણેયના મૃતદેહને બાહર કાઢવામાં આવ્યા હતા. 

એક મિત્ર બચી ગયો

કડી પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક જ ગામમાંથી બે યુવાનોના અકાળે મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે પરિવારને અણધાર્યા આઘાતનો ઘા લાગ્યો હોય એવું પરિવારજનોનું ચિત્ર છે. વિગત એવી પણ મળી છે કે, મેળામાં કુલ ચાર મિત્રો ગયા હતા અને ત્રણેય જ્યારે ન્હાવા માટે પડ્યા એ સમયે એક મિત્ર ચા લેવા માટે ગયો હતો.

પોલીસે આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવી  હતી.જ્યાં ઉમૈયા નદીમાં ન્હાવા માટે પ઼ડેલા યુવાનો અકાળે મોતને ભેટ્યા હતા.