શ્રી ચરનીએ સાત રનમાં ત્રણ, પ્રેમા રાવતે નવ રનમાં ત્રણ અને દીપ્તિ શર્માએ પાંચ રનમાં બે વિકેટ લીધી
દુબઈઃ મહિલાઓના ટી-20 એશિયા કપમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લેનાર પાકિસ્તાનને ભારતે માત્ર પંચાવન રનના સ્કોર પર આઉટ કરી દીધી હતી અને ભારતને જીતવા માત્ર 56 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પાકિસ્તાનના પંચાવન રન મહિલાઓની એશિયા કપનો સૌથી નીચો સ્કોર છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પાકિસ્તાનનો આ સ્કોર લોએસ્ટ છે.
દુબઈના સ્ટેડિયમમાં ભારત તરફી પ્રેક્ષકોની સંખ્યા મોટી હતી અને તેમણે ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ ખૂબ માણી હતી.
ભારતની બોલર્સ સામે પાકિસ્તાની બૅટર્સ કંઈ જ લડત નહોતી આપી શકી, તેમની ટીમમાં કોઈ મોટી ભાગીદારી પણ નહોતી થઈ શકી અને તેઓ 20 ઓવર પૂરી થાય એ પહેલાં 18.1 ઓવરમાં જ શરણે થઈ ગઈ હતી. ત્રણ બૅટરના ઝીરો હતા, પાંચ બૅટરના સિંગલ ડિજિટમાં રન હતા અને ફક્ત બે પ્લેયર ડબલ ડિજિટમાં પહોંચી શકી હતી. શવાલ ઝુલ્ફિકારે 14 રન અને મુનીબા અલીએ 13 રન બનાવ્યા હતા.
ભારતની ત્રણ સ્પિનરે પાકિસ્તાની ટીમને ઘડોલાડવો કરી નાખ્યો હતો. શ્રી ચરનીએ સાત રનમાં ત્રણ, પ્રેમા રાવતે નવ રનમાં ત્રણ અને દીપ્તિ શર્માએ પાંચ રનમાં બે વિકેટ લીધી હતી. પાર્ટ-ટાઇમ સ્પિનર શેફાલી વર્માએ પણ એક વિકેટ લીધી હતી. ઓપનર મુનીબા અલીની પ્રથમ વિકેટ તેણે જ અપાવી હતી.
Shefali came in and made an instant impact! 🔥🇮🇳
— Anil Bansal (@dilseanilbansal) September 5, 2026
Pratika had dropped the catch earlier…
but Muneeba couldn’t make the most of the second chance! 😮💨#ShefaliVerma #INDvsPAK #WomensCricket pic.twitter.com/xfWfKXz7ZT
પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના સહિતની મુખ્ય બૅટર્સ ભારતીય બોલર્સના પ્રભાવ નીચે માનસિક દબાણમાં આવી ગઈ હતી અને એક પછી એક બૅટર વિકેટ ગુમાવી બેઠી હતી. એક તબક્કે પાકિસ્તાને પ્રથમ વિકેટથી માંડીને છઠ્ઠી વિકેટ સુધીમાં જોરદાર ધબડકો જોયો હતો. તેમણે 27, 28, 29, 32, 35 અને 35મા રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનની ઓપનર્સે પાંચમી 27 રનના કુલ સ્કોર સુધી ભારતીય બોલર્સનો સારો સામનો કર્યો હતો, પણ એ ઓવરમાં સ્પિનર શેફાલી વર્માએ પ્રથમ વિકેટ અપાવી એ સાથે પાકિસ્તાન (Pakistan)ની ટીમનો ધબડકો શરૂ થયો હતો.
27મા રને મુનીબા અલી ક્લીન બોલ્ડ થયા બાદ 28મા રને ગુલ ફિરોઝાને સ્પિનર શ્રી ચરની (Charani)એ ઝીરો પર જ પૅવિલિયન ભેગી કરી હતી. 29મો રન હજી માંડ બન્યો ત્યાં તો શવાલ ઝુલ્ફિકારને શ્રી ચરનીએ જ એલબીડબ્લ્યૂ કરી હતી. 32મા રને ફરી એક વખત શ્રી ચરની ત્રાટકી હતી અને આયેશા ઝફરને કૅચઆઉટ કરાવી હતી. 35મા રને સદફ શમાસને સ્પિનર પ્રેમા રાવતે ક્લીન બોલ્ડ કરીને પૅવિલિયનનો રસ્તો બતાવ્યો હતો. સદફ હજી તો ડગઆઉટ જઈને માંડ બેઠી ત્યાં તો 35મા રનના કુલ સ્કોર પર કૅપ્ટન ફાતિમા સનાએ પણ ટીમનું નાક કપાવ્યું. સ્પિનર દીપ્તિ શર્માએ તેને એલબીડબ્લ્યૂ કરી હતી.
કૅપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ વખતે કહ્યું હતું કે `આ ટૂર્નામેન્ટમાં અમારી બોલિંગ ખૂબ સારી છે એટલે સારું થયું અમને પ્રથમ બોલિંગ કરવાનો મોકો મળ્યો. અમને લક્ષ્યાંક ચેઝ કરવાનું વધુ ગમશે.' હરમનપ્રીતનો આ અભિપ્રાય બોલરે યોગ્ય ઠરાવ્યો હતો.
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ
ભારતઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, પ્રતીકા રાવલ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, શ્રી ચરની, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા.
પાકિસ્તાનઃ ફાતિમા સના (કૅપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફિકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, એમન ફાતિમા, તુબા હાસન, નશરુ સંધુ સાદિયા ઇકબાલ અને ઉમ્મે-એ-હનિ.