મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગણીને લઈને સામાજિક કાર્યકર મનોજ જરાંગે પાટીલનું આમરણાંત ઉપવાસ આંદોલન શનિવારે આઠમા દિવસે પણ ચાલુ રહ્યું છે. આંદોલનને વધુ ઉગ્ર બનાવતાં જરાંગેએ હવે પાણી પીવાનો અને કોઈપણ પ્રકારની તબીબી સારવાર (મેડિકલ ટ્રીટમેન્ટ) લેવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
તેમનો સીધો આક્ષેપ છે કે મહાયુતિ સરકારે આપેલી ખાતરીઓનો હજુ સુધી જમીની સ્તરે કોઈ અમલ શરૂ કર્યો નથી. જરાંગેએ અલ્ટીમેટમ આપ્યું છે કે જો 12મી સપ્ટેમ્બર સુધીમાં સરકારી ઠરાવ (GR) બહાર નહીં પાડવામાં આવે, તો તેઓ લાખો મરાઠા સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરશે.
Marathwada Andolak News : मराठवाड्यात मराठा आंदोलक रस्त्यावर; रास्ता रोको आंदोलन| Manoj Jarange Hunger Stike#ManojJarangePatil #MarathaBandh #MarathaReservation #MarathaProtest #Marathwada #MaharashtraNews #MarathiNews pic.twitter.com/Jjx2b0emgR
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 4, 2026
પાણી અને મેડિકલ ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ઇનકાર:
જાલના જિલ્લાના અંતરવાળી સરાટી ખાતે અનશન પર બેઠેલા જરાંગેએ તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરાવવાનો ઇનકાર કર્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં મંત્રીમંડળની અપીલ બાદ તેમણે પાણી અને ઈન્ટ્રાવેનસ ફ્લુઈડ્સ (IV) લેવાનું સ્વીકાર્યું હતું, પરંતુ સરકાર તરફથી નક્કર કાર્યવાહી ન દેખાતાં તેમણે તમામ સારવાર પાછી ખેંચી લીધી છે. સતત ૮ દિવસના ઉપવાસને કારણે જરાંગેની તબિયત લથડતાં મેડિકલ ટીમે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
સરકાર સામે મનોજ જરાંગેના મુખ્ય આક્ષેપો:
જરાંગેએ આરોપ મૂક્યો છે કે સરકારે 58 લાખ મરાઠાઓ સાથે સંબંધિત કુણબી રેકોર્ડ અંગે તાત્કાલિક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી શૈક્ષણિક અને નોકરીઓમાં લાભ આપવા માટે કોઈ ઠોસ પગલાં લેવાયાં નથી. અનામત અંગેની પ્રક્રિયાની માહિતી ગામડાં સુધી જાહેર જાહેરાતો મારફતે પહોંચાડવાની ખાતરી પણ કાગળ પર જ રહી ગઈ છે.
સરકારી પ્રતિનિધિમંડળ સાથેની મંત્રણા અને ૧૨ સપ્ટેમ્બરની ચેતવણી:
ગુરુવારે કેબિનેટ મંત્રીઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ, ઉદય સામંત, વિધાન પરિષદ સભ્ય પ્રસાદ લાડ અને ધારાસભ્ય મકરંદ પાટીલના પ્રતિનિધિમંડળે જરાંગે સાથે મુલાકાત કરી ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી હતી. વિખે પાટીલે જણાવ્યું હતું કે સરકારે 58 લાખ કુણબી રેકોર્ડ શોધી કાઢ્યા છે અને પાત્ર લોકોને પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ રહી છે.
જરાંગેએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આશ્વાસનોથી કામ નહીં ચાલે. ૧૨ સપ્ટેમ્બર સુધીમાં પાત્ર મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર (OBC ક્વોટા હેઠળ લાભ) આપતો સત્તાવાર જીઆર (GR) જારી કરવામાં નહીં આવે તો સમગ્ર આંદોલન મુંબઈ તરફ પ્રયાણ કરશે.