અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના 5 જિલ્લામાં આ વાયરસ બાળકોને ભરડામાં લઈ રહ્યો છે. રાજ્યમાં આ ભયાનક રોગે 12 બોળકોનો ભોગ લીધો છે. જેમાં 3 પોઝિટિવ અને 10 શંકાસ્પદ બાળકના મૃત્યુ થયા છે.
રાજ્યના કયા જિલ્લામાં ફેલાયો છે આ વાયરસ
રાજ્યના પંચમહાલ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરમાં આ વાયરસ ફેલાયો છે. જેમાં કુલ 12 બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ 3 બાળકોના મોત વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે. હાલ 2 પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પંદર વર્ષથી નાના બાળકોમાં ફેલાતો ચાંદીપુરા વાયરસના ચેપને અટકાવવા તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ વાયરસનાં ચેપને અટકાવવા માટે વિશેષ ટીમો સક્રિય રીતે મોનિટરિંગ કરી રહી છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસની જાગૃતિ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે?
ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.
આ ચેપી રોગનાં લક્ષણો
આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના 24 થી 48 કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.
કેવી સાવચેતી રાખવી ?
- ઘરની અંદર અને બહારની દીવાલોની તિરાડો અને છિદ્રોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવા.
- ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરો.
- 15 વર્ષ સુધીના બાળકોને રાત્રે અને સૂતી વખતે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો.
- જો બાળકને તાવ, ઉલ્ટી, ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલ/ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા.
- આરોગ્ય તંત્રની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક પ્રક્રિયા હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરવું.
કઇ કઇ બાબતો ટાળવી ?
- બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ/માટીમાં રમવા દેવા નહીં. ચેપ ફેલાવતી માખીઓ આ જગ્યાઓએ વધુ સક્રિય હોય છે.
- ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં.
- લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બિલકુલ બગાડવો નહીં.
ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો ?
સૌપ્રથમ આ વાયરસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં તાવથી પીડાતા બે દર્દીઓના લોહીના નમૂનામાંથી મળ્યો હતો. જેના કારણે આ વાયરસનું નામ ચાંદીપુરા જ રાખવામાં આવ્યું. 2003માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આ વાયરસનો મોટો રોગચાળો ફેલાયો હતો. જેની સૌથી વધારે અસર બાળકોમાં જોવા મળી હતી. જેમાં કેટલાક બાળકોના મૃત્યુ પણ થયા હતા. 2014 અને પછીના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત અન્ય રાજ્યોમાં ચાંદીપુરાનાં છૂટાછવાયા કેસો નોંધાયા હતા.