ખેડાઃ ખેડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અહીં એક 11 વર્ષનો વિદ્યાર્થી શાળાએ જઈ રહ્યો હતો, તે દરમિયાન તેના પર વીજળીનો થાંભલો પડતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું છે. પોતાના દીકરાના મોતનું મોત થઈ જતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. તંત્ર દ્વારા આ મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
મહેમદાવાદમાં આવેલા આમસરણ ગામમાં બની ઘટના
વિગતે વાત કરવામાં આવે તો, ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલા આમસરણ ગામમાં આ ઘટના બની છે. અહીં એક 11 વર્ષીય માસૂમ કૃષ્ણ અજય કુમાર યાદવનું મોત થયું છે. કૃષ્ણ તેના ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ તે ઘરેથી શાળાએ જવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તે કાળ ભરખી જશે તેની ક્યાં કોઈને ખબર હતી!
થાંભલા નીચે કચડાઈ જવાથી કૃષ્ણનું ઘટનાસ્થળે જ મોત
મળતી વિગતો પ્રમાણે ગામમાં વીજળીના તાર પાસે જે ઊંચા ઝાડ આવેલા હતા તેને કાપવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કૃષ્ણ પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક વિશાળ ઝાડની ડાળી સીધી હાઇ-ટેન્શન પાવર લાઇન પર પડી. ડાળીનું વજન વધારે હોવાથી કોંક્રિટ વીજળીનો થાંભલો ઉખડી ગયો અને 11 વર્ષીય બાળક પર પડ્યો. થાંભલા નીચે કચડાઈ જવાથી, ભોગ બનનાર કૃષ્ણ અજય કુમાર યાદવનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું.
છ દીકરીઓ બાદ જન્મેલા દીકરાનું પણ અકસ્માતે મોત
ઘટનાની જાણ થતાં જ પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે કૃષ્ણ યાદવ તેના માતા-પિતાને એક જ દીકરો હતો. છ દીકરીઓ બાદ દીકરાનો જન્મ થયો હતો. તેનું પણ અકસ્માતે મોત થઈ ગયું હોવાથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. અત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રશ્ન એ છે કે, આખરે વૃક્ષો કાપતી વખતે સલામતીના કડક પગલાં કેમ લેવામાં ન આવ્યા?