રાજકોટઃ શહેરમાં સતત ત્રીજા દિવસે PCB એ કાર્યવાહી કરીને હથિયારો સાથે વધુ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગેરકાયદે હથિયારો વેચતી 'વેપન કાર્ટેલ'ના બે ઈસમોને પી.સી.બી. ટીમે 3 દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે દબોચી લીધા હતા.
પી.સી.બી. ટીમ દ્વારા અગાઉ ગેરકાયદેસર હથિયારો વેચતી “વેપન કાર્ટેલ” ના 6 ઇસમોને 18 દેશી હથિયારો તથા 30 જીવતા કારતૂસ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ કેસની સઘન તપાસ દરમિયાન પકડાયેલા આરોપી પ્રદિપભાઇ અનકભાઇ કરપડાએ કબૂલાત કરી હતી કે તેણે અગાઉ ગેરકાયદેસર દેશી હથિયાર અને કારતૂસ આરીફ પઠાણ નામના શખ્સને આપ્યા હતા. બીજી તરફ, ગેંગના અન્ય આરોપી સકીલ સાદીક મન્સુરીએ હથિયારોનો જથ્થો જયપાલ ડેડાણીયાને સપ્લાય કર્યો હોવાની કબૂલાત કરી હતી.
જેના આધારે પી.સી.બી.ની ટીમે વોચ ગોઠવીને બંને શખ્સોને હથિયારોના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરીફ ગફારભાઇ પઠાણ (ઉ.વ.34) તથા જયપાલ રાજેશભાઇ ડેડાણીયા (ઉ.વ.29) પાસેથી રૂપિયા 30 હજારની કિંમતની 3 દેશી બનાવટની પિસ્તોલ અને રૂ. 200 ની કિંમતના બે નંગ જીવતા કારતૂસ મળી કુલ રૂપિયા 30,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી આરીફ પઠાણ વિરુદ્ધ થોરાળા, બી ડીવીઝન, ડી.સી.બી. તેમજ વડોદરા સાયબર ક્રાઇમ સહિતના અલગ-અલગ પોલીસ મથકોમાં હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ, આઈ.ટી. એક્ટ અને મનીલેન્ડ એક્ટ હેઠળ અગાઉ ૧૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બીજા આરોપી જયપાલ ડેડાણીયા વિરુદ્ધ આજીડેમ અને થોરાળા પોલીસ સ્ટેશનમાં ગંભીર ઈજા પહોંચાડવી, પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના 3 ગુનાઓ નોંધાયેલા છે.
આ નવી ધરપકડ સાથે જ રાજકોટ પી.સી.બી. પોલીસે ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેઈન તોડવામાં મોટી સિદ્ધિ મેળવી છે. હાલ સુધીમાં આ “વેપન કાર્ટેલ” ના કુલ 8 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 21 દેશી બનાવટના હથિયારો તેમજ 32 નંગ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.
રથયાત્રા પૂર્વે જ હથિયારોનો આ મોટો જથ્થો પકડાતા શહેરમાં સંભવિત મોટી અનિચ્છનીય ઘટના ટળી હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.