Wed Jul 15 2026

Logo

ગુજરાત સરકારમાં આ કેડરના વધુ 26 અધિકારીની થશે નિમણૂક, સીએમઓ સહિતનાં કાર્યાલયોમાં થશે નિમણૂક

2026-07-15 13:17:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગર: રાજ્ય સરકારે વહીવટી કામગીરીને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા સચિવાલય સંવર્ગમાં સેક્શન ઑફિસર (વર્ગ-2)ના પદોની સંખ્યામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)ના ઠરાવ મુજબ સેક્શન ઑફિસરના મંજૂર પદો 606થી વધારીને 634 કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સરકારી ફાઇલોના નિકાલની ગતિ વધશે, નીતિગત નિર્ણયોનું અમલીકરણ ઝડપી બનશે અને સામાન્ય નાગરિકોના કામો ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે.

કયા વિભાગોને મળશે કાર્યબળ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય અનુસાર નવી કૅડર રચનામાં મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સહિત રાજ્યના 26 વિભાગો અને 19 કચેરીઓમાં વધારાનું કાર્યબળ મળશે. આ ઉપરાંત; મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત તકેદારી પંચ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની કેટલીક મહત્વની કચેરીઓ માટે હંગામી પદો તથા ડેપ્યુટેશન રિઝર્વની પણ જોગવાઈ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી વહીવટી જવાબદારીઓ અને ફાઇલોના ભારને ધ્યાનમાં રાખીને કૅડર સ્ટ્રેન્થની સમીક્ષા કરવામાં આવી રહી હતી. તેના આધારે પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી વિભાગો વચ્ચે નિર્ણય પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બની શકે.

નોંધનીય છે કે રાજ્ય સરકારે ચાલુ વર્ષ દરમિયાન સચિવાલય સંવર્ગના 86 નાયબ સેક્શન અધિકારીઓ (વર્ગ-3)ને બઢતી આપી સેક્શન ઑફિસર (વર્ગ-2) તરીકે નિયુક્ત કર્યા છે. નવા પદો અને બઢતીના કારણે સચિવાલયમાં અધિકારીઓની ઉપલબ્ધતા વધશે, જેના પરિણામે ફાઇલોના નિકાલની પ્રક્રિયામાં ગતિ આવશે અને સરકારી સેવાઓ વધુ કાર્યક્ષમ બનશે. 

વધતા વિકાસલક્ષી પ્રોજેક્ટ, નવી યોજનાઓ અને વિભાગીય કામગીરીના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.