Wed Jul 15 2026

Logo

લૉર્ડ્સમાં ઐતિહાસિક સદી ફટકારનાર વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયાની 'પ્રેરણાદાયી' સ્ટોરી જાણો?

2026-07-15 15:33:24
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ ઐતિહાસિક લૉર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 270 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારતની આ જીતમાં વડોદરાની યાસ્તિકા ભાટિયાનું મોટું યોગદાન હતું. ભારતની વિકેટકીપર-બૅટર યસ્તિકા ભાટિયા (113 રન, 158 બૉલ, 14 ફોર)એ ઇંગ્લૅન્ડમાં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર નવો ઇતિહાસ રચ્યો હતો. તે આ ગ્રાઉન્ડ પર સેન્ચુરી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ટેસ્ટ ખેલાડી બની હતી જેની સ્ટોરી સુપરસ્ટોરી જેવી જ છે.

સદી ફટકાર્યા બાદ યાસ્તિકાએ ઘરે ફોન કરીને કહ્યું, પપ્પા, મેં જ્યારે બેટ ઊંચું કર્યું ત્યારે મને મમ્મી, પપ્પા, બહેન અને દાદા નજર આવતા હતા. દાદા મને આશીર્વાદ આપતા હોય તેવું લાગતું હતું. 

યાસ્તિકા જ્યારે 91 રન પર હતી ત્યારે મેચમાં લંચ બ્રેક પડ્યો હતો. તે સમયે તેના પિતા હરીશ ભાટિયાએ મંદિરે જઈને પુત્રીની સદી માટે પ્રાર્થના કરી હતી. 99 રન થયા ત્યારે આખો પરિવાર ઘણો રોમાંચિત હતો અને સદી પૂરી થતાં જ બધા ખુશીથી એકબીજાને ગળે મળીને રડી પડ્યા હતા. ઈજામુક્ત થઈને પરત ફરેલી યાસ્તિકાના આત્મવિશ્વાસ માટે આ સદી ખૂબ જરૂરી હતી. ક્રિકેટના પ્રતિષ્ઠિત 'ઓનર્સ બોર્ડ'માં તેનું નામ આવવું એ તેના કરિયરની બહુ મોટી સિદ્ધિ છે.

યાસ્તિકા વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલા યુથ સર્વિસ સેન્ટરમાં ક્રિકેટ રમવા જતી હતી.તેની સખત મહેનતના કારણે પહેલા બરોડા ક્રિકેટ એસોસિએશનની અન્ડર-19 ટીમમાં અને ત્યારબાદ સિનિયર ટીમમાં પસંદગી થઈ હતી. વર્ષ 2021માં તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને 2022ના ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે એકસાથે ટેસ્ટ, વનડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.

યાસ્તિકા રોજ 3 કલાક બેટિંગ અને વિકેટકીપિંગની કડક પ્રેક્ટિસ કરતી હોવા છતાં, તે શાળામાં હંમેશા ટૉપ-3માં આવતી હતી. તેણે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 90 ટકા માર્ક્સ સાથે પાસ કરી હતી. યાસ્તિકા માત્ર 6 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમતી હતી અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પહોંચી હતી. આ સિવાય તે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ ધરાવે છે.

યાસ્તિકા પોતાની ફિટનેસ માટે ખૂબ જ કડક ડાયટ ફોલો કરે છે. છેલ્લા 10 વર્ષથી તેણે બિલકુલ સાકર ખાધી નથી. એટલું જ નહીં, મીઠાઈઓ ખાવાનું ટાળે છે. ડાયટમાં તે માત્ર ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ લે છે. આ સાથે જિમ અને રનિંગ તેનું રોજનું રેગ્યુલર શેડ્યુલ છે.