Wed Jul 15 2026

Logo

જજોને 'ન્યાયિક નોકર' કહેનાર 2 લો સ્ટુડન્ટ્સની કરી ધરપકડ, CJI એ આપી પ્રતિક્રિયા

2026-07-15 11:02:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોર્ટરૂમની અંદર ન્યાયાધીશો સાથે ગેરવર્તણૂક કરવા અને સુપ્રીમ કોર્ટ પરિસરમાં હંગામો મચાવવાના આરોપમાં દિલ્હી પોલીસે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રબલ પ્રતાપ સિંહ (24 વર્ષ) અને ચંદ્રભાન (23 વર્ષ) તરીકે થઈ છે, જેઓ લખનઉ યુનિવર્સિટીમાં એલએલબી (LLB) ના વિદ્યાર્થીઓ છે. સુપ્રીમ કોર્ટમાં તેમણે હંગામો કર્યો અને ગેરવર્તણુક કરી હતી. જેના કારણે હવે આ બંને વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, સુપ્રીમ કોર્ટના સુરક્ષા કર્મચારીઓની ફરિયાદના આધારે દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 132, 221, 224 અને 3(5) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના?

આ હાઈવોલ્ટેજ ડ્રામા 10 જુલાઈ 2026 ના રોજ સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર-13 માં જોવા મળ્યો હતો. ત્યાં જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક અરાધેની બેંચ સમક્ષ એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ કેસ અલ્હાબાદ હાઈકોર્ટના એક આદેશ સાથે જોડાયેલો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.અરજીકર્તા પ્રબલ પ્રતાપ સિંહ વકીલ વગર પોતે જ પોતાના કેસની પેરવી કરી રહ્યો હતો. સુનાવણી શરૂ થતાં જ તે અચાનક જજો પર ચિલ્લાવા લાગ્યો હતો.  

'હું સર્વોપરી છું, તમને આદેશ આપું છું...'

કોર્ટરૂમમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, પ્રબલ પ્રતાપે ન્યાયાધીશોને સંબોધતા કહ્યું કે, "મિસ્ટર જ્યુડિશિયલ સર્વન્ટ (ન્યાયિક નોકર), હું તમને આદેશ આપું છું..." એટલું જ નહીં, તેણે દાવો કર્યો કે તે પોતે સર્વોપરી છે અને જજોએ તેનો આદેશ માનવો પડશે. આટલું બોલીને તેણે જજોની બેંચ સામે જ કેસના કાગળો હવામાં ઉડાડવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તરત જ પ્રબલ પ્રતાપને પકડીને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ પણ અત્યંત અભદ્ર અને અસંસદીય ભાષાનો પ્રયોગ કર્યો હતો.  

આ ઘટના પર જસ્ટિસ સૂર્યકાંતે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલે સંયમ જાળવ્યો હતો. સોમવારે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, "બાળકો ક્યારેક ગુસ્સામાં કે અણસમજણમાં આવું કરી બેસે છે. પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે બંધારણીય સંસ્થાઓની ગરિમા અને સન્માન જાળવવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. ન્યાયતંત્ર જેવી સંસ્થાઓનું સન્માન જ લોકશાહીની મજબૂતીનો પાયો છે, અને તેનું રક્ષણ કરવાની જવાબદારી માત્ર ન્યાયાધીશો કે વકીલોની જ નહીં, પણ સમગ્ર સમાજની છે."