Wed Jul 15 2026

Logo

તત્કાલ ટિકિટના ધાંધિયા દૂર કરવા આવી રહી છે IRCTCની નવી વેબસાઈટ, જાણો કેવા મળશે ફીચર્સ

2026-07-15 09:13:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દરરોજ હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસ પહેલા 15 જુલાઈથી IRCTCની નવી વેબસાઈટ શરૂ થથે તેવી જાહેરાત કરી હતી પરંતુ હવે સામે આવેલી વિગત મુજબ, નવી વેબસાઈટ આજથી કાર્યરત નહીં થાય. નવી વેબસાઈટમાં તત્કાલ ટિકિટના ધાંધિયા દૂર થશે તેમજ પેમેન્ટ ફેલ થવાનું ટેન્શન પણ નહીં રહે.

IRCTCની નવી વેબસાઈટમાં AI પાવર્ડ ફીચર્સ સાથે ઘણા નવા ફીચર્સ જોવા મળશે. આ નવી વેબસાઈટમાં માત્ર નવી ડિઝાઈન જ નહીં મળે પરંતુ ટિકિટ બુકિંગની પ્રોસેસમાં સરળતા રહેશે.

નવી વેબસાઈટમાં કોઈ કેપ્ચા નહીં હોય. તેમાં 6 સ્ટેપમાં ટિકિટ બુકિંગ થઈ જશે. જો તમારા આઈડીમાં ઈન્ફોર્મેશન પહેલાથી સેવ હશે તો 6 સ્ટેપમાં ગણતરીના સેકંડમાં ટિકિટ બુક થઈ જશે.

નવી વેબસાઈટ લાઈટવેટ હશે. ઈન્ટરનેટ સ્પીડ ઓછી હશે તો પણ ઝડપથી લોડ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત બફરિંગ તથા પેજ હેંગ થવાની સમસ્યા પણ નહીં રહે.

નવી વેબસાઇટ પર તમે માત્ર યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી જ લોગિન કરી શકશો. તમારે આડા-અવળા અક્ષરોવાળા કેપ્ચા કોડ ને ઉકેલવાની જરૂર નહીં પડે. નવી વેબસાઇટમાં એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવશે, જેથી સામાન્ય બુકિંગના સમયે કેપ્ચાની માથાકૂટ ખતમ થઈ જશે.

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેમેન્ટ ગેટવેને પહેલા કરતાં વધુ સરળ બનાવવામાં આવ્યો છે. IRCTC-iPay અને UPI પેમેન્ટના ઓપ્શન્સ બિલકુલ સામે રાખવામાં આવ્યા છે, જેથી પેમેન્ટ ફેલ થવાની શક્યતાઓ નહિવત થઈ જશે.

તત્કાલ ટિકિટ મેળવવાની મુશ્કેલીઓ પણ દૂર થશે. સવારે 10 અને 11 વાગ્યે તત્કાલ ટિકિટ બુકિંગ વખતે લોકોને સ્ક્રીન સામે પરેશાન થવું નહીં પડે. સ્લો ઇન્ટરફેસના કારણે અવારનવાર ટિકિટો પહેલાથી જ વેટિંગ લિસ્ટમાં જતી રહેતી હતી. નવી વેબસાઇટનું સર્વર વધુ ફાસ્ટ હોવાથી, હવે મિનિટોમાં જ કન્ફર્મ ટિકિટ બુક થઈ શકશે.