મુંબઈઃ હવામાન વિભાદ દ્વારા ઉત્તર ભારત સહિત ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. પરંતુ થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી મુંબઈમાં એન્ટ્રી કરી છે. વરસાદ વરસતા જ મુંબઈગરાઓને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.
વરસાદ થતાં લોકોને રાહતનો અનુભવ થયો
મુંબઈમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદે શહેરનો માહોલ બદલી નાખ્યો છે. થોડા દિવસોથી અનુભવાતી ગરમી બાદ વરસાદ થતાં લોકોને રાહતનો અનુભવ કરાવ્યો છે. મુંબઈના પ્રખ્યાત મરીન ડ્રાઇવ અને કોસ્ટલ રોડના સુંદર દૃશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે 24 કલાક ધમધમતું રહેતું મુંબઈ વહેલી સવારના સમયે વરસાદ અને ઘેરાયેલા કાળા વાદળોના કારણે થોડું શાંત અને ધીમું નજરે પડ્યું.
લોકો વરસાદી વાતાવરણની મજા માણતા જોવા મળ્યાં
દરિયાકિનારે ઉછળતા મોજાં, ઠંડો પવન અને આકાશમાં છવાયેલા કાળા વાદળોએ આખા શહેરને એક અલગ જ ‘કોઝી’ માહોલ આપ્યો. સવારે વોક કરવા મરીન ડ્રાઇવ પર આવતા લોકોએ પણ આ વરસાદી વાતાવરણની મજા માણતા અને ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.
વિરામ બાદ મુંબઈમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, Marine Drive પર મનમોહક દૃશ્યો
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 15, 2026
થોડા દિવસોના વિરામ બાદ મુંબઈમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. મેઘરાજાના આગમનથી શહેરને ગરમીમાંથી રાહત મળી છે. Marine Drive અને Coastal Road પરથી સામે આવેલા સુંદર વરસાદી દૃશ્યો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે.… pic.twitter.com/g1GI1lcs9p
મુંબઈમાં આજે તાપમાન 29 ડિગ્રી નોંધાયું
ખાસ કરીને વાત કરવામાં આવે તો, મુંબઈમાં તાપમાન 29 ડિગ્રી નોંધાયું. મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. મુંબઈમાં વરસાદ થાય ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોય છે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ આવી સ્થિતિ જોવા મળતી હોય છે. ભારે વરસાદની આગાહી ના હોવાથી આ સમસ્યા નહીં આવે!